• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

અભિષેકનો ઓરેન્જ કેપ પર કબજો

ઇશાન મલિંગા પર્પલ કેપ રેસમાં બીજા સ્થાને

હૈદરાબાદ, તા.22: અભિષેક શર્માએ તેની ટી-20 કેરિયરમાં પહેલીવાર પૂરી 20 ઓવર બેટિંગ કરી હતી. તેણે આઇપીએલ ઇતિહાસનો પાંચમો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવતા 68 દડામાં 10 ચોક્કા અને 10 છક્કાથી અણનમ 13પ રનની વિદ્યુતવેગી ઇનિંગ રમી હતી. આથી દિલ્હી સામે સનરાઇઝર્સે 2 વિકેટે 242 રન ખડક્યા હતા અને બાદમાં 47 રને જીત નોંધાવી હતી. સદીના સથવારે અભિષેક શર્મા ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર કુલ 323 રન સાથે ટોચ પર આવી ગયો છે. તેણે ઓરેન્જ કેપ ધારણ કરી છે. સાથી બેટધર હેનરિક ક્લાસેન અભિષેકથી ફક્ત 3 રન પાછળ છે અને બીજા નંબર પર છે. ત્રીજા સ્થાને ટાઇટન્સ કેપ્ટન શુભમન ગિલ છે. તેણે પ ઇનિંગમાં 26પ રન બનાવ્યા છે. વિરાટ કોહલી, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, રજત પાટીદાર, કૂપર કોનોલી, યશસ્વી જયસ્વાલ અને પ્રિયાંસ આર્ય ટોપ ટેનમાં સામેલ છે.

દિલ્હી સામે સનરાઇઝર્સના બોલર ઇશાન મલિંગાએ 4 વિકેટ લીધી હતી. આથી તે પર્પલ કેપની રેસમાં બે નંબર પર આવી ગયો છે. તેની હવે 12 વિકેટ થઇ છે. પ્રસિદ્ધ કૃષ્ણાની પણ 4 વિકેટ છે. 13 વિકેટ સાથે સીએસકેનો બોલર અંશુલ કમ્બોજ ટોચ પર છે. પ્રિંસ યાદવ, ભુવનેશ્વર કુમાર, કાગિસો રબાડા, રવિ બિશ્નોઈ ટોપ ટેનમાં સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક