ખડગે
સામે ભાજપની ચૂંટણીપંચમાં ફરિયાદ પછી કાર્યવાહી
નવીદિલ્હી,તા.22:
પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા ગરમ થઈ ગયેલા રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસની મુશ્કેલી વધી
ગઈ છે. પક્ષનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી
ગણાવતી ટિપ્પણીએ હવે કાનૂની વળાંક લઈ લીધો છે. ચૂંટણીપંચે આ મુદ્દાને ગંભીરતાથી લઈને
ખડગે સામે કડક વલણ અપનાવીને નોટિસ જારી કરી છે. પંચનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર
ખડગેનાં આ વિધાનને આદર્શ આચારસંહિતાનો ભંગ માનવામાં આવ્યું છે. નોટિસમાં ખડગેને આગામી
24 કલાકમાં પોતાનો પક્ષ રજૂ કરવા અને સ્પષ્ટતા આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય
છે કે, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાનનાં એક દિવસ પહેલા જ આ નોટિસ જારી થઈ છે.
આ પહેલા ભાજપે તેમની આ ટિપ્પણીને ઘોર વાંધાજનક ગણાવીને ચૂંટણી પંચમાં તેની ફરિયાદ પણ
કરી હતી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ પોતે ભાજપ નેતાઓ સાથે આ મુદ્દે ફરિયાદ કરવા
માટે ચૂંટણીપંચનાં કાર્યાલયે પહોંચ્યા હતાં. આનાં માટે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ
બનાવવામાં આવ્યું હતું. આમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીયમંત્રી અર્જુનરામ
મેઘવાલ સહિતનાં અન્ય વરિષ્ઠ મંત્રીઓ પણ સામેલ હતાં.રિજિજૂએ કહ્યું હતું કે, તેમણે પ્રધાનમંત્રી
વિરુદ્ધ અપમાનજનક ભાષાનાં ઉપયોગ અંગે પંચને ફરિયાદ કરી છે. આ એક રાષ્ટ્રીય અને લોકતાંત્રિક
મુદ્દો છે. પ્રધાનમંત્રીને આતંકવાદી કહેવા અપરાધ છે. કોઈપણ રાજકીય દળે ક્યારેય વડાપ્રધાન
વિરુદ્ધ આવી ભાષાનો પ્રયોગ કર્યો નથી.