અમદાવાદમાં
ભાજપના કાર્યકરને લાફો મારનાર સ્થાનિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરતમાં
અશાંત ધારા મુદ્દે લોકોનો રોષ જોઈને નેતાઓએ ભાગવું પડયું
અમદાવાદ,
સુરત, તા.22 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, પરંતુ તેની
સાથે જ ભાજપ સામે મતદારોનો આક્રોશ પણ સપાટી પર આવી રહ્યો છે. અમદાવાદના સરસપુર અને
સુરતના અડાજણ વિસ્તારમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોને સ્થાનિક લોકોના રોષનો સામનો કરવો પડયો હતો, જેમાં મારામારી
અને ઝપાઝપી જેવી ઘટનાઓ પણ બની છે. રાજકોટમાં પણ વોર્ડ નં.9માં આજે સ્થાનિક રહિશોએ થાળી
વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ પણ રાજકોટમાં ભાજપના ઉમેદવાર પસંદગીથી લઈને સ્થાનિક
વણઉકેલ પ્રશ્નોને લઈને ઠેર ઠેર વિરોધ ઉઠયો હતો. સાવરકુંડલામાં ભાજપ શાસિત પાલિકાના
નિર્ણય સામે વેપારીઓ કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરવા ઉતર્યા છે.
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારો જ્યારે સરસપુરની
અશોક મિલની નવી ચાલી પાસે લોકસંપર્ક માટે પહોંચ્યા હતા, ત્યારે મામલો બિચક્યો હતો.
ચાલીના નાકે ઉભેલા હસમુખ વોરા (કાળુ ગુલાબી) નામના વ્યક્તિએ ભાજપના કાર્યકરોને અટકાવ્યા
હતા અને ‘તમારે અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં’ તેમ કહી વિરોધ કર્યો હતો. બોલાચાલી
વધતા હસમુખ વોરાએ ઉશ્કેરાઈને ભાજપના કાર્યકર ધીરજભાઈ રાઠોડનો કોલર પકડી તેમને લાફો
મારી દીધો હતો. આ ઘટના બાદ ધીરજભાઈએ હસમુખ વોરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને
પોલીસે આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
સુરતના
અડાજણ-ગોરાટ વિસ્તારમાં પણ ભાજપ માટે સ્થિતિ પ્રતિકૂળ જોવા મળી હતી. અહીં ધારાસભ્ય
પૂર્ણેશ મોદી અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાની આગેવાનીમાં નીકળેલી પ્રચાર રેલીનો લોકોએ
બહિષ્કાર કર્યો હતો. સ્થાનિક લોકો લાંબા સમયથી ગોરાટ વિસ્તારમાં ‘અશાંત ધારા’ ના અમલ
માટે માંગ કરી રહ્યા છે, જે પૂરી ન થતા લોકોમાં ભારે નારાજગી હતી. પ્રચાર દરમિયાન લોકોએ
નેતાઓ સાથે ઉગ્ર જીભાજોડી કરી હતી. આ ધાંધલ-ધમાલમાં એક મહિલા સાથે પણ ઝપાઝપી થઈ હોવાના
અને તેના વસ્ત્રો ફાટી ગયા હોવાના અહેવાલ છે. લોકોનો આક્રોશ એટલો ઉગ્ર હતો કે નેતાઓ
અને કાર્યકરોએ ત્યાંથી ચાલતી પકડવી પડી હતી અને મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ
લેવી પડી હતી.