ઈરાની સંસ્કૃતિ-સભ્યતાનો નાશ કરી નાંખશું તેવી ધમકી ઉચ્ચારનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 15 દિવસ માટે જાહેર કરેલો યુદ્ધ વિરામ લંબાવી દીધો. તેમની સામે ઉપસ્થિત થયેલી વિકલ્પ વિહોણી સ્થિતિનો આ પુરાવો છે. સંકેત એ છે કે હવે ટ્રમ્પ સ્વયં આ યુદ્ધની સ્થિતિમાંથી બહાર આવવા મથી રહ્યા છે. 40 દિવસ યુદ્ધ ચાલ્યું, અમેરિકાને પોતાને તો ઠીક, દુનિયાના અન્ય દેશોને પણ એમ હતું કે હવે તો ઈરાનનું આવી બન્યું પરંતુ ટ્રમ્પ ઈરાનને નબળું પાડી શક્યા નહીં કે તેના હુમલાથી ખાડીના અન્ય દેશોની રક્ષા કરી શક્યા. એક રીતે જોઈએ તો અમેરિકાની સંકલ્પશક્તિ કે યુદ્ધક્ષમતા વિશ્વની સામે ખુલીને આવી ગઈ.
હોર્મુઝ
ક્ષેત્ર ઉપર નાકાબંધી કરવાની ટ્રમ્પની જાહેરાતનું પણ કંઈ આવ્યું નથી. વિશેષ તો ટ્રમ્પની
સામે તેમના જ દેશમાં નારાજગી અને વિરોધ વધી રહ્યાં છે. યુદ્ધ ચાલુ રાખવા માટે તેમણે
આંતરદ્વંદ્વનો સામનો કરવો પડી રહ્યો છે. માગા એટલે કે મેક અમેરિકા ગેટ અગેઈન સમર્થક
યુદ્ધની વિરુધ્ધમાં છે. આ લડાઈ ચાલુ રાખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને સંસદની અનુમતિ પણ
જોઇશે. જે તેમને મળે તેવી સંભાવના ઓછી છે. વિપક્ષી ડેમોક્રેટની સાથે કેટલાક રિપબ્લિક
સાંસદ પણ યુદ્ધ ચાલુ રાખવાના પક્ષમાં નથી. હોર્મુઝ બંધ રહેવાને લીધે વિશ્વમાં જે ઊર્જા
સંકટ ઊભું થયું તેની અસર કે દબાણ પણ અમેરિકા ઉપર થયાં છે.
યુદ્ધવિરામનો
ભંગ અમેરિકા માટે જોખમી હતો તેટલો જ પાકિસ્તાન માટે પણ હતો. ઈરાન ઉપર હુમલા બંધ કર્યા
પછી અમેરિકાએ પુન: શરૂ કર્યા હોત તો સાઉદી અરબ સહિતના દેશોને તેની અસર થાત. સૂડી વચ્ચે
સોપારી જેવી હાલત પાકિસ્તાનની થાત કારણ કે સાઉદી સાથે પાકિસ્તાનની જે સમજૂતી છે તે
તોડવી પડત અને ઈરાનની સામે મોરચો ખોલવો પડત. પાકિસ્તાનની સાથે જ અમેરિકાને પણ યુદ્ધવિરામમાં
રસ હતો એટલે તો યુદ્ધ રોકાઈ રહ્યું છે તેવી જાહેરાત પાકિસ્તાની વડાપ્રધાને કરી હતી
ભલે ને તેનો ડ્રાફ્ટ અમેરિકાથી ગયો હોય.
યુદ્ધવિરામની
વાતો વચ્ચે એક અગત્યનો સવાલ એ છે કે ઈરાનમાં રાજકીય પાંખ કે પછી સૈન્ય નેતૃત્વ કટ્ટરપંથી
સેનાનું બળ વધારે દેખાઈ રહ્યું છે. આ બધું તો જો કે સતત લાંબું ચાલતું ચક્ર છે. અત્યારે
એટલો સંતોષ કે યુદ્ધવિરામ લંબાયો છે. ઈરાન અને આસપાસની તબાહી, અન્ય દેશોને થતા આર્થિક
નુકસાન ઉપર અલ્પવિરામ મૂકાયું છે. કોઈ પણ સમયે કંઈ પણ થવાની શક્યતા તો ઝળુંબે છે જ.
યુદ્ધ તો અટક્યું. અગત્યનું એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના હુંકારને અસર થઈ છે. અમે જ સબળા
તેવી તેમની માનસિકતા અત્યારે ભ્રમણા પુરવાર થઈ છે.