• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

સૂરતમાં મુખ્યમંત્રી, રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી

સૌથી વધુ રોજગારી આપતું કોઈ રાજ્ય

હોય તો તે ગુજરાત છે : ભૂપેન્દ્ર પટેલ

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત તા. 23 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરતમાં શક્તિપ્રદર્શન કરતાં રેલી અને સભા યોજી હતી.

મુખ્યમંત્રી જાહેરસભામાં આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે, ફાયનાન્સિયલ પોઝિશનમાં પણ ગુજરાત આજે નંબર-1 પોઝિશન સાથે આગળ વધી રહ્યું છે. આમ આદમી પાસે જે જે સ્ટેટ હોય, વિપક્ષો પાસે જે સ્ટેટ હોય ત્યાં તમારે જોવું હોય એ જોઇ લો. ક્યા સ્થાને છે. ગુજરાતમાં નહીં આખા દેશમાં નીચેથી ક્રમ ગણવો પડશે.

અનેક જગ્યાએ ચાલી રહેલા વિરોધને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે જે વિઝનરી લીડરની વાત કરીએ છીએ તો આ વિઝન છે એમનું કે ભાઈ પાણી, લાઈટ આ બધાની વ્યવસ્થા નહીં હોય તો તમે કેવી રીતે કામ કરશો. નાનું કારખાનું બનાવવું છે, દૂધની ડેરી કરવી છે. કોઈપણ વસ્તુ કરવી હોય તો પાણી રોડ અને લાઈટની તો બેઝિક જરૂર છે તો પહેલા એ પૂરું કર્યું અને સાથે સાથે ધંધા રોજગાર કેવી રીતે વધે એના માટેનો એક પ્રયત્ન કર્યો.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, આજે સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય કોઈ હોય તો એ આ ગુજરાત રાજ્ય છે અને બેરોજગારીની વાતો આવે. ઇલેક્શન આવે એટલે બધું આવે. આપણે એની ના નથી પાડતા. મારો તો સ્વભાવ પોઝિટિવ છે. હું કોઈ દિવસ નેગેટિવ કોઈ વસ્તુ વિચારતો જ નથી.

 

હર્ષ સંઘવીના રોડ શોમાં મેદની ઉમટી : બાલાજી દાદાના દર્શન કર્યા : પ્રબુદ્ધ નાગરિકો સાથે યોજી બેઠક

 

રાજકોટ તા.23 : રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ-કોંગ્રેસ તેમજ ‘આપ’ના પ્રદેશ કક્ષાના નેતાઓ પોતાના ઉમેદવારોના પ્રચારાર્થે શહેરની મુલાકાતો લઈ રહ્યાં છે અને રેલીઓ સાથે જનસભાને સંબોધી રહ્યાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે સાંજે રાજકોટની મુલાકાતે આવી ચડયાં હતાં અને તેમનો ‘પાવરપેક્ડ’ રોડ શો યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકો જોડાયાં હતાં.

શહેરના ત્રિકોણબાગ ચોક ખાતેથી સાંજે 5.30 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો રોડ શો આયોજિત થયો હતો. આ રોડ શોએ રાજકીય માહોલ ગરમાવી દીધો હતો. રોડ શો શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરોની સાથોસાથ સ્થાનિક નાગરિકો પણ ઉમટી પડયાં હતાં. જીપમાં બેસીના નાયબ મુખ્યમંત્રીએ હાથ ઉંચા કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.  નાયબ મુખ્યમંત્રીએ રોડ શો અંતર્ગત ભૂપેન્દ્ર રોડ સ્થિત બાલાજી હનુમાન મંદિરે બાલાજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરમાં ઉપસ્થિત સંતો-મંહતોએ તેમનું પાઘડી પહેરાવીને સ્વાગત કર્યુ હતું. રોડ શોમાં નાયબ મુખ્યમંત્રી સાથે સાંસદ રામભાઈ મોકરિયા, પુરુષોતમ રૂપાલા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરિયા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે વગેરે જોડાયાં હતાં.

રોડ શોની પૂર્ણાહુતિ બાદ સાંજે 7 કલાકે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી સયાજી હોટલમાં નાયબ મુખ્યમંત્રીએ પ્રબુદ્ધ નાગરિકો સાથે એક બેઠક યોજી હતી બાદમાં તબક્કાવાર વોર્ડ નં.10, વોર્ડ નં.11, વોર્ડ નં.12, વોર્ડ નં.14 અને વોર્ડ નં.પાંચના કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી જ્યાં ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડવા તેમજ બહોળી સંખ્યામાં મતદાન માટે અનુરોધ કર્યો હતો. રાત્રે 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક