• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

મધ્યસ્થી : થાકેલું પાક ચીનના શરણે

-ઈરાન-અમેરિકાને વાટાઘાટોની ટેબલ પર લાવવામાં અસમર્થ રહ્યું

નવી દિલ્હી, તા. 23 : પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય તેમ ઈસ્લામાબાદમાં પ્રથમ રાઉન્ડની વાટાઘાટો અને બે અઠવાડિયાના યુદ્ધવિરામના અમલીકરણ પછી પાકિસ્તાન બંને પક્ષોને વાટાઘાટોની ટેબલ પર પાછા લાવવામાં અસમર્થ રહ્યું છે અને તણાવ સતત વધી રહ્યો છે.

દરમિયાન, પાકિસ્તાન વાટાઘાટો ફરી શરૂ કરવા માટે હવે ચીનના શરણે ગયું છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે, જ્યારે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે.

એક મીડિયા હેવાલ મુજબ, ટોચના રાજદ્વારી સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, અનેક પ્રયાસો નિષ્ફળ ગયા પછી પાકિસ્તાને હવે આ પ્રક્રિયામાં ચીનને સામેલ કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

આ વાટાઘાટોમાં ચીનની હાજરીને વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી તરફ, આ પ્રક્રિયામાં ચીનનો રસ માત્ર રાજદ્વારી જ નહીં પણ આર્થિક પણ છે. ઓમાન સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવ અને યુએસ નાકાબંધીને કારણે ચીનના ઊર્જા પુરવઠા પર અસર પડી છે, તેથી તે આ તણાવને ઓછો કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ભૂમિકા અંગે તેહરાનમાં વિશ્વાસની કમી વધી રહી છે તેથી ચીન હવે મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. નવેસરથી વાટાઘાટો માટે છ-મુદ્દાના માળખા પર પણ ચર્ચા કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનની મુખ્ય માગણીઓ પૂરી કરવાનો અને અટકેલી વાટાઘાટો ફરી શરૂ કરવા માટે નક્કર લાંબા ગાળાની ગેરંટી પૂરી પાડવાનો છે.

આ માળખું ચીન સાથે પરામર્શ કરીને વિકસાવવામાં આવ્યું હોવાનું મનાય છે અને તે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ફરી શરૂ કરવા માટેના આધાર તરીકે કામ કરી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક