• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

RCB વિરુદ્ધ ટાઇટન્સની પોઝિશન ટાઇટ

- વિજયક્રમ પર પુનરાગમન માટે ગિલની ટીમે એડી ચોટીનું જોર લગાવવું પડશે

 

બેંગ્લુરુ, તા.23: મધ્યક્રમના બેટધરોની નિષ્ફળતાને લીધે સંઘર્ષ કરી રહેલ શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઇટન્સનો શુક્રવારના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમનો સામનો થશે. બન્ને ટીમને તેમના પાછલા મેચમાં હાર સહન કરવી પડી છે. આરસીબીની દિલ્હી કેપિટલ્સ સામે હાર મળી હતી જ્યારે ગુજરાત ટાઇટન્સને તેના ગઢ અમદાવાદમાં મુંબઇ ઇન્ડિયન્સે 99 રને કારમો પરાજય આપ્યો હતો.

આરસીબી સામે બહુ સમસ્યા નથી. તેનું બેટિંગ અને બોલિંગ યુનિટ સારો દેખાવ કરી રહ્યું છે. મેચ તેના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાશે. જેનો ફાયદો આરસીબીને મળશે અને તે વિજય ક્રમ પર વાપસી કરવા કોઇ કસર છોડશે નહીં. સ્ટાર વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડીક્કલ, કપ્તાન રજત પાટીદાર સારા ફોર્મમાં છે. ડેથ ઓવર્સમાં ટિમ ડેવિડનું પાવર હિટિંગ ટીમને મોટા સ્કોર તરફ લઇ જાય છે. જોશ હેઝલવૂડના આગમન અને ભુવનેશ્વર કુમારના સારા ફોર્મને લીધે બોલિંગ મોરચે પણ આરસીબી સક્ષમ છે.

બીજી તરફ ટાઇટન્સની સમસ્યા વધુ છે. બેટિંગમાં તેના ત્રણ ટોચના બેટર્સ જ રન કરી રહ્યા છે. કપ્તાન શુભમન ગિલ, સાઇ સુદર્શન અને જોસ બટલર સિવાય તેમનો કોઇ બેટધર રન કરી રહ્યો નથી. શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયાને ઇલેવનની બહાર કરી નવા ચેહરાને તક આપવાનો સમય આવી ગયો છે. બોલિંગમાં રાશિદ ખાને ફોર્મ ઝળકાવું જરૂરી બન્યું છે. કારણ કે બેંગ્લુરુની પિચ પર સ્પિનર્સને સારો માર પડે છે. અહીં પહેલો દાવ લેનાર ટીમ 200 ઉપરના સ્કોર પર પહોંચી શકે છે. મુંબઇ સામેની નિરાશાજનક હારને ભુલીને ગુજરાત ટાઇટન્સે આરસીબી સામે શાનદાર દેખાવ કરવો પડશે. આ માટે પાવર પ્લેમાં તેની ઓપનિંગ જોડીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરવું પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક