• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

રાજસ્થાનની રિફાઈનરીમાં આગ દુર્ઘટના કે આતંકી સાજિશ ? એક્શનમાં એનઆઈએ

નવી દિલ્હી, તા. 23 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયા પહેલાથી જ એક ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. આ દરમિયાન છેલ્લા 50 દિવસની અંદર ભારત સહિત દુનિયાભરમાં છ દેશની પ્રમુખ તેલ રિફાઈનરીમાં આગ લાગવા અને વિસ્ફોટ થવાની રહસ્યમયી ઘટનાઓ સામે આવી છે. જેનાથી સવાલ ઉઠી રહ્યો છે કે આ માત્ર સંયોગ છે કે વૈશ્વિક તેલ આપૂર્તિને રોકવા માટેની સાજિશ છે ? ભારતની પ્રમુખ એજન્સી એનઆઈએએ આ મામલાને ગંભીરતાથી લઈને રાજસ્થાનના પચપદરામાં રિફાઈનરીમાં આગની ઘટનાની તપાસ શરૂ કરી છે.

પીએમ મોદી દ્વારા રિફાઈનરીનું ઉદ્ઘાટન થવાનું હતું. જો કે એક દિવસ પહેલા જ સોમવારે તેમાં ભીષણ આગ લાગી હતી. એચપીસીએલની શરૂઆતી તપાસમાં સામે આવ્યું હતું કે હીટ એક્સચેન્જર સર્કિટના એક વાલ્વથી હાઈડ્રોકાર્બનનું ગળતર થતા આગ લાગી હતી. જો કે મામલો માત્ર ટેક્નીકલ ખામીનો ન લાગતા એનઆઈએ અને એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને બુધવારે ટીમ સ્થળ ઉપર પણ પહોંચી હતી. આ ટીમ ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટની તપાસ કરી રહી છે. જયાંથી આગ શરૂ થઈ હતી. રાજસ્થાન એટીએસ દ્વારા પણ રિફાઈનરીના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી છે. એનઆઈએની તપાસમાં એન્ટી સંકેત આપે છે કે બાહરી તાકાતો દ્વારા તોડફોડ કે આતંકી એન્ગલથી તપાસ કરવામાં આવશે.

રાજસ્થાનની ઘટના પહેલા ચાર એપ્રિલના મુંબઈ તટ પાસે ઓએનજીસીના એસએચપી પ્લેટફોર્મ ઉપર આગ લાગી હતી. જેમાં 10 કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી હતી. જો કે ઓએનજીસી તરફથી હજી સુધી આગ લાગવાના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

 

પાક.ની નેશનલ ઓઇલ રિફાઈનરીમાં મોટો હુમલો

 

અજ્ઞાત હુમલાખોરોએ કર્યા ગોળીબાર : વિસ્તારની ઘેરાબંધી કરીને તલાશી અભિયાન

નવીદિલ્હી, તા.23 : પાકિસ્તાનની પ્રમુખ ઓઇલ કંપની નેશનલ રિફાઇનરી લિમિટેડનાં દારિગવાન પ્લાન્ટમાં અજ્ઞાત બંદૂકધારીઓએ મોટો હુમલો બોલાવી દીધાનાં અહેવાલ છે. આ ઘટના પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સ્થિત દારિગવાનમાં બની હતી.

કંપની દ્વારા આપવામાં આવેલાં સત્તાવાર નિવેદન અનુસાર હુમલા બાદ પાક. સુરક્ષાદળો તત્કાળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે.

સમગ્ર વિસ્તારને ઘેરી લીધા બાદ સુરક્ષાદળોએ ત્યાં વ્યાપક તલાશી અભિયાન ચલાવ્યું હતું. જેનો ઉદ્દેશ રિફાઇનરી કે તેની આસપાસ કોઈ હુમલાખોર છૂપાયા હોય તો તેને અને કોઈપણ પ્રકારની વિસ્ફોટક સામગ્રી રાખી દેવામાં આવી હોય તો તેને નષ્ટ કરવાનો હતો. હજી સુધી આ હુમલો કોણે કર્યો તે અસ્પષ્ટ છે. કોઈ આતંકી જૂથ તરફથી આ હુમલાની જવાબદારી કબૂલવામાં આવી નથી.

છેલ્લા પ0 દિવસમાં ભારત સહિત દુનિયાનાં છ દેશની મુખ્ય ઓઇલ રિફાઇનરીમાં આગ લાગવાથી માંડીને ધડાકાની રહસ્યમય ઘટનાઓ સામે આવી છે. જેમાં ભારતની આતંકવાદ વિરોધી એજન્સી એનઆઇએ દ્વારા રાજસ્થાનમાં બનેલી આગની ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

 

દુનિયાભરની રિફાઈનરીમાં દુર્ઘટના

1 માર્ચ (ઈક્વાડોર) : દક્ષિણ અમેરિકી દેશ ઈક્વાડોરની સૌથી મોટી તેલ રિફાઈનરીના ચાર્જ પંપ યુનિટમાં આગ લાગી હતી. જેનાથી 1,10,000 બેરલ પ્રતિ દિવસની ક્ષમતાનું કામ ઠપ થયું હતું.

17 માર્ચ (મેક્સિકો) : મેક્સિકોની સૌથી મોટી અને નવી ઓલ્મેકા તેલ રિફાઈનરીમાં આગ લાગવાના કારણે 5 લોકોનાં મૃત્યુ થયા હતા.

23 માર્ચ (ટેક્સાસ) : ટેક્સાસની વેલેરો પોર્ટ આર્થર એનર્જી રિફાઈનરીમાં એક ધડાકો થયો હતો. શરૂઆતમાં બનાવ પાછળ ઈરાનનો હાથ હોવાની અટકળો લાગી હતી પણ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નહોતી.

10 એપ્રિલ (ટેક્સાસ): ટેક્સાસની જ મેરાથન એલ પાસો રિફાઈનરીમાં ટેક્નીકલ સમસ્યાના કારણે અચાનક મોટી આગ લાગી હતી.

16 એપ્રિલ (ઓસ્ટ્રેલિયા) : વિક્ટોરિયા રાજ્યને 50 ટકા ઈંધણની આપૂર્તિ કરનારી વિવા એનર્જી કોરિયો રિફાઈનરીમાં આગ લાગી હતી. જેનાથી ઓસ્ટ્રેલિયામાં પેટ્રોલના ઉત્પાદન ઉપર અસર પડવાની ચેતવણી આપવામાં આવી હતી.

20 એપ્રિલ (રોમાનિયા) : રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાં એક થર્મલ પ્લાન્ટમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.

22 એપ્રિલ (ઈરાક) : કુર્દિસ્તાન ક્ષેત્રની રાજધાની એરબિલની એક રિફાઈનરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જો કે તેનું કારણ અને નુકસાન સામે આવ્યું નહોતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક