• શુક્રવાર, 15 મે, 2026

ડીલ થશે કે ડીલે?

છાશ લેવા જવું અને દોણી સંતાડવી એ ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટાઈલ નથી. આથી, 2017 પછી પહેલીવાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે ચીનની મુલાકાતે જતી વખતે પોતાની સાથે અમેરિકન ટેક કંપનીઓના સીઈઓનો કાફલો રાખી ટ્રમ્પે ઍજેન્ડા પર ટ્રેડ ડીલ છે, એ તો સ્પષ્ટ કરી નાખ્યું હતું. જોકે, બુધવારે શરૂ થયેલી ચીનયાત્રા પૂર્વે એક તરફ ટ્રમ્પે એમ કહ્યું કે, આ પ્રવાસ વ્યાપાર માટે જ નહીં વૈશ્વિક વ્યૂહાત્મક  સંતુલન માટે પણ મહત્ત્વપૂર્ણ છે. તો, બીજી બાજું એવું પણ બોલ્યા કે, ઈરાન બાબતે અમને ચીનની મદદની જરૂર નથી. ત્યાં જીત તો અમારી જ થશે, શાંતિપૂર્ણ રીતે અથવા બીજા કોઈ માર્ગે. તો, ચીને પણ ટ્રમ્પની મુલાકાત પહેલાં અમેરિકામાંના ચીનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં લખ્યું હતું કે, ચીન-અમેરિકા વચ્ચેના સંબંધોમાં ચાર લક્ષ્મણ રેખા ઓળંગાવી ન જોઈએ. ટ્રમ્પ અને જિનાપિંગ બન્ને તંગ દોર પર ચાલી રહ્યા છે અને બાજિંગમાંની શિખર મંત્રણાની શરૂઆત તો બન્નેએ અહો રૂપ, અહો ધ્વનિ જેવાં નિવેદનોથી કરી છે. બન્ને દેશો વચ્ચે તાણભર્યા સંબંધો હોવા છતાં ટ્રમ્પ હોર્મુઝ ખાડી ખોલવા ઈરાન પર જિનાપિંગ દ્વારા દબાણ લાવવાના પ્રયાસમાં રહેશે. તો, તાઈવાન પર ચીનના દાવા બાબતે તથા આ ટાપુ રાષ્ટ્ર સાથે શસ્ત્રસોદા બાબતે અમેરિકા પોતાના રુખ નરમ કરે એવા જિનાપિંગના પ્રયાસો રહેશે.

પહેલા કાર્યકાળમાં ટ્રમ્પે ચીનથી થતી આયાત પર ટેરિફની જાહેરાત કરી હતી અને બીજી વાર ચૂંટાઈ આવ્યા બાદ તેમણે ચીન પર 125 ટકા ટેરિફ ઠોકી દીધો. જોકે, રેર અર્થ મિનરલ્સ પર ચીનના એકાધિકાર નિયંત્રણને પગલે ટ્રમ્પ ઢીલા પડયા અને બાંધછોડ કરવાની ફરજ પડી.ટ્રમ્પ સાથે બાજિંગ ગયેલા પ્રતિનિધિમંડળમાં અમેરિકન ટેક કંપનીઓ અને ઉદ્યોગજગતના સીઈઓનો આખો કાફલો છે.ચીન સાથે વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધા હોવા છતાં વ્હાઈટ હાઉસને ફાયદો અને નુકસાનનાં સમીકરણમાં વધુ રસ છે. અમેરિકન માલની ચીનમાં આયાત વધારવાનો ટ્રમ્પનો આશય પણ છૂપો નથી. વળી, ચીન માટે અમેરિકા સૌથી મોટું બજાર છે અને અમેરિકાએ નાખેલા ભારે ટેરિફને પગલે ચીનના નિકાસમાં લગભગ દસેક ટકા ઓટ આવી છે. વળી, ચીન ઈરાનનો સૌથી મોટો ક્રૂડતેલ ખરીદદાર દેશ હોવાથી યુદ્ધને કારણે તકલીફ વધી છે. ટ્રમ્પ અને જિનાપિંગ બન્ને સામે ઘરઆંગણે રાજકીય અગ્નિપરીક્ષાઓ છે.વળી, અત્યાર સુધી જગત જમાદાર અમેરિકા વિશ્વ મોરચે પોતાનું ધાર્યું કરાવતું, પણ અત્યારે તેને ચીનના સહકારની તાતી જરૂર છે, જેથી દબદબો અકબંધ રહે. આથી, ટ્રમ્પ ભલે એવું દેખાડવા માગતા હોય કે, તેઓ ડીલ ક્રૅક કરવા બાજિંગ ગયા છે, પણ તેમનો ખરો આશય સર્જાયેલી અવ્યવસ્થાને મધ્યસત્ર ચૂંટણી પહેલાં સુધારી લેવાનો છે. સામ્યવાદી ચીન અને મૂડીવાદી અમેરિકા વચ્ચે સહકારના એક નવા યુગની શરૂઆત થાય છે કે રસ્સાકસી યથાવત્ રહે છે, એના પર વિશ્વની નજર છે.

ઇ-પેપરના નવા શુલ્ક