દેશમાં
અચાનક ઈંધણ બચાવો ક્રાંતિનો આરંભ થયો છે. રવિવારે વડાપ્રધાને તેલંગણથી દેશની પ્રજાને
પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નિયંત્રિત કરવાનો અનુરોધ કર્યો. આવી સકારાત્મક અપીલ છતાં લોકો
ચિંતામાં મૂકાઈ ગયા. દેશની જનતા એવું સમજી ગઈ છે કે ઈંધણના ભાવ તો વધશે, હવે ક્યારે
અને કેટલા તે જ જોવાનું છે. હજી તો આ બધી ચર્ચા થાય, એક વર્ષ સુધી સોનું ખરીદવું નહીં
તેવો પણ અનુરોધ ઉચ્ચ સ્તરેથી થાય તેની વચ્ચે વડાપ્રધાને સ્વયં પોતાનો કાફલો ટૂંકાવ્યો.
ગુજરાત સહિતના રાજ્યોએ તેનો અમલ કર્યો. આપણા દેશમાં જે સૌથી વધારે પ્રતિકૂળ અને પડકારજનક
છે તેવી ‘વર્ક ફ્રોમ હોમ’ની પદ્ધતિનો પણ અમલ શરૂ થયો છે.
ગુજરાતના
મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ બુધવારે રાજુલાના કાર્યક્રમમાં ફક્ત બે મોટરકાર લઈને
પહોંચ્યા હતા તેમણે પોતાનો કોન્વેયમાં ઘટાડો કર્યો. રાજ્યપાલ દેવવ્રતજીએ પણ મુસાફરી
ટ્રેનમાં કરી, કહે છે કે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ વિદેશ પ્રવાસ રદ કર્યો છે.
ગુજરાત સરકાર કર્મચારીઓ ઘરેથી કામ કરે તેવી વ્યવસ્થા અપનાવવા તરફ જઈ રહી છે. આ બધું
અચાનક થઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે જનતાના મનમાં તેનો ઉચાટ હોવાનો. અમેરિકા-ઈરાન વચ્ચેના
યુદ્ધને લીધે ક્રુડના ભાવ વધ્યા છે અને આપણને તેમ છતાં ઈંધણ વધારે મોંઘું મળી રહ્યું
નથી પરંતુ આવું કેટલો સમય ચાલશે તે નક્કી નથી. તેથી બચત માટે આ આગોતરાં પગલાં છે.
સરકાર
સામૂહિક પરિવહન અને ઈલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ વધારવા ઉપર ભાર દઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં
પણ સરકારી કાફલો ઘટયો, બેઠકો ઓનલાઈન કરવાનું શરૂ થયું. બિહારમાં પણ વીડિયો કોન્ફરન્સથી
બેઠકો શરૂ થઈ છે. દિલ્હીમાં ઈ-રિક્ષા, મેટ્રો ટ્રેનના ઉપયોગ પર ભાર મૂકાયો છે. દેશમાં
આવેલી આ જાગૃતિ આવકાર્ય છે. અત્યારે તો વિશ્વ સામે સંકટ છે, કદાચ આવું ન હોય તો પણ
ઊર્જા ત્રોતો શક્ય તેટલા બચાવવા જ જોઈએ. સવાલ એ છે કે આ જાગૃતિ કેટલી ટકશે અને વિશેષત:
કેટલી હદે તેનું પાલન થઈ શકશે, જે પગલાં સરકાર
કે નેતાઓ લઈ રહ્યાં છે તે પગલાં દરેક વ્યક્તિ માટે શક્ય નથી.
સ્થિતિ
ગંભીર થાય તો આકરા નિર્ણય લેવા પણ પડે. સરકારનો વિરોધ કે અસંમતિનો પ્રશ્ન નથી પરંતુ
જે પગલાં લેવાયા છે તેનો અમલ કેટલા લોકો કરી શકે? તે પણ જોવું જરૂરી છે. વર્ક ફ્રોમ
હોમનો અનુભવ કોરોના વખતે આપણને થઈ ગયો છે. લોકોનું સામાજિક પ્રત્યાયન તદ્દન તળિયે ગયું
હતું. બીજી વાત એ છે કે મંત્રી, નેતા માટે મોટરકારનો વિકલ્પ બાઈક હોઈ શકે. મહારાષ્ટ્રના
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કારને બદલે બાઈક ઉપર ફરતા હોવાનો વીડિયો વાયરલ છે પરંતુ
મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ, ડિલિવરી બોય સહિતના લોકો માટે તો બાઈક જ પરિવહનનું સાધન
છે. બાઈકનો વિકલ્પ શું? આ તમામ તર્ક અને સવાલ પછી પણ એટલું નક્કી છે કે વડાપ્રધાને
પણ પોતે ઈંધણ ઉપયોગની કરકસર શરૂ કરી છે, પ્રધાનો તેમને અનુસરી રહ્યા છે. પ્રજા જરૂરી
પરિવહન કદાચ ઘટાડી ન શકે પરંતુ આપણે પોતે જ આપણું ઓડિટ કરીએ તો ખ્યાલ આવે કે ક્યાં
ક્યાં આપણે વાહનના વધારે ઉપયોગમાં કાપ મૂકી શકીએ! આપણી જીવન પદ્ધતિ જે રીતે ગોઠવાઈ
છે તે જોતાં આ અઘરું છે પરંતુ જે આજે નહીં ને કાલે કરવાનું જ છે તે ફરજિયાત કરવાને
બદલે સ્વેચ્છાએ થઈ જાય તો વધારે સરળ રીતે થઈ શકશે.