• બુધવાર, 13 મે, 2026

ઊર્જા બચત રાષ્ટ્રીય જવાબદારી

ચૂંટણીના પરિણામના વિશ્લેષણ, વિવિધ રાજ્યોમાં સરકારની શપથવિધિ, ગુજરાતના બે દિવસીય પ્રવાસની વિપક્ષ દ્વારા અને સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકો દ્વારા થઈ રહેલી ટીકાની વચ્ચે હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈંધણના સંયમિત ઉપયોગ માટે કરેલો અનુરોધ અગત્યનો છે. પ્રજા તેમની આ વાત કેટલી માને? કેટલી માની શકે? તે પછીનો મુદ્દો છે પરંતુ તેમણે જે કહ્યું તે ધ્યાન દઈને સાંભળવું તો જરૂરી છે. પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવાની તેમની વાતના પગલે એક ચિંતા એ પણ શરૂ થઈ છે, આ વિધાન ઈંધણના ભાવ વધારાનો સંકેત છે? અગાઉ પણ તેઓ આવી વાત કરી ચૂક્યા છે. જો કે આવા સંશાધનોના વધારે ઉપયોગ, તેની બચત સહિતની બાબત માત્ર પ્રાસંગિક નથી. વર્તમાન સ્થિતિ અમેરિકા-ઈરાન યુદ્ધને લીધે ઊભી થઈ છે, એવું ન હોય તો પણ આવા સંશાધનોની બચત જરૂરી છે.

તેલંગણમાં વડાપ્રધાને કહ્યું કે પેટ્રોલ, ગેસ, ડિઝલ જેવી વસ્તુનો ઉપયોગ સંયમથી કરીએ તે સમયની માગ છે. આયાત થયેલી પેટ્રોપેદાશોનો ઉપયોગ જરૂર પડયે જ કરવો જોઈએ, તેને લીધે ફક્ત વિદેશી મુદ્રાની બચત થશે એટલું જ નહીં, યુદ્ધ જેવા સંજોગો સામે લડવા માટે પણ આપણે સક્ષમ બનશું. અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ હજી સાવ શમ્યું નથી, તેની અસર હજી પણ છે. પેટ્રો પેદાશ જ્યાંથી આપણા દેશમાં આવે છે તે હોર્મુઝ સ્ટ્રેટ હજી બંધ છે, પુરવઠાની સાંકળ ખોરવાઈ છે તેવા સંજોગોમાં વડાપ્રધાનની આ અપીલ અત્યંત સમયસરની છે. ક્રુડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં સતત વધારો થયો છે જેની અસર ભારતીય પેટ્રોલિયમ કંપનીઓ ઉપર પણ પડી છે. દસ સપ્તાહથી પેટ્રોલિયમ ક્ષેત્રની સરકારી કંપનીઓ જૂના ભાવે પેટ્રોલ-ગેસ વગેરે વેચી રહી છે જેને લીધે દરરોજ 1600-1700 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. આ સ્થિતિ કેટલી ચાલશે તે પણ કહી શકાય તેમ નથી. વડાપ્રધાને કરેલા આ અનુરોધ પછી પણ તેનો અમલ કેટલો થઈ શકે તેના સવાલ તો અનેક છે.

એક તો એ કે લોકોની જીવન પદ્ધતિ વાહન આધારિત થઈ ગઈ છે. શહેર જ નહીં મધ્યમ નગર કે ગ્રામ્ય વિસ્તારમાં પણ અંગત પરિવહનથી લઈને વ્યાપાર-વ્યવસાય માટે વાહનોનો ઉપયોગ થાય છે. દૂધ કે શાકભાજીની ડિલીવરી હોય કે શાળા-કોલેજ જવાનું, વાહનનો વિકલ્પ નથી. સામૂહિક પરિવહનની જાગૃતિ નથી અને છે તો તેનું પૂરતું વ્યવસ્થાપન નથી. યુદ્ધની સ્થિતિ છે એટલે ધ્યાન વધારે રાખવું પડે કદાચ તેવું ન હોય તો પણ પેટ્રોલ ડીઝલનો વપરાશ મર્યાદિત થાય તે જરૂરી છે. વડાપ્રધાને તો આ આખી વાતને દેશભક્તિ સાથે જોડી દીધી અને કહ્યું કે ઊર્જા સંરક્ષણ તે એક પ્રકારે રાષ્ટ્રનું કામ છે.

પ્રત્યેક નાગરિકે આ વાત અપનાવવા જેવી છે. સ્વચ્છતા કે પેટ્રોલ ડીઝલ બાબતે પ્રજાને અનુરોધ કરવો પડે તે જ આમ તો 78 વર્ષ પૂર્વે સ્વતંત્ર થયેલા દેશની પ્રજા માટે આશ્ચર્યજનક છે. વડાપ્રધાને જેવી આ અપીલ કરી કે સોશિયલ મીડિયા ઉપર પણ યુદ્ધ છેડાઈ ગયું કે રાજ્યોના મુખ્યપ્રધાનો હેલિકોપ્ટરમાં ફરે છે. પ્રધાનો માટે વાહનો દોડે છે. બચત શું પ્રજાએ જ કરવાની છે? સરકારી કે સરકાર પ્રેરિત વિવિધ કાર્યક્રમો, રાજકીય પક્ષોની સ્કૂટર રેલી જેવાં આયોજનો પહેલાં બંધ થવા જોઈએ. આ વાત ભલે ખોટી ન હોય પરંતુ રાષ્ટ્રીય જવાબદારીમાં હુંસાતુંસી ન હોય. કોણ પહેલાં બચત શરૂ કરે તેવી હોડ કે હરીફાઈમાં નુકસાન તો પ્રજાનું જ છે. પ્રજાના પ્રતિનિધિઓએ ઈંધણ વપરાશ ઘટાડવાનું દૃષ્ટાંત બેસાડવું જોઈએ પરંતુ લોકો કદાચ તેમાં પહેલ કરે તો પણ ફાયદો તેમનો પોતાનો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક