વડા પ્રધાન મોદીએ કરકસરના ભાગરૂપે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનો અનુરોધ કર્યો છે. ઉપરાંત આયાત જકાત વધારી છે. કેન્દ્ર સરકારની ગણતરી આપણું વિદેશી હૂંડિયામણ બચાવવાની છે પણ વડા પ્રધાનની અપીલ પછી ભારતમાં સોનાની ખરીદી ઉપર કેવી અસર થાય છે અને આયાત કેટલી ઘટે છે તે જોવાનું રસપ્રદ હશે. પણ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કે સોનાનું આકર્ષણ અને ભૂખ યથાવત રહે છે. એક નવી હકીકત નોંધપાત્ર છે કે લોકો હવે જરઝવેરાત - દાગીનાની ખરીદી કરતાં સુવર્ણ સિક્કા અને લગડી ખરીદવા તરફ વળ્યા છે. અલંકારોના પ્રદર્શનને બદલે સલામત મૂડીરોકાણ તરફ વળ્યા છે.
વર્લ્ડ
ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ ભારતમાં સોનાના સિક્કા અને લગડીની માગમાં ગણનાપાત્ર વધારો
નોંધાયો છે. આ વર્ષે માર્ચની આખર સુધીમાં સોનાની એકંદર ખરીદીમાં સિક્કાનો હિસ્સો
41 ટકા હતો જે આગલા વર્ષે 34 ટકા હતો. માર્ચના ત્રિમાસિક ગાળામાં કુલ 62.3 ટન સિક્કા-લગડીની
ખરીદી થઈ છે. નોંધપાત્ર છે કે ઈટીએફની માગણી માત્ર 19.9 ટન હતી. અત્યાર સુધી સામાન્ય
રીતે સિક્કાની માગ 20થી 30 ટકા હોય છે.
ઘરેણાં-અલંકારો
માટે સોનું ખરીદાય તેની ઘડામણ પણ મોંઘી પડે છે તેથી જ હવે ઝવેરીઓ ઘડામણમાં દર-માફી
અથવા ઘટાડાની જાહેરાત કરી રહ્યા છે. પણ મધ્યમ વર્ગને સિક્કાનું આકર્ષણ વધ્યું છે. કારણ
કે પ્રમાણમાં નાની રકમ પાંચથી દસ હજારનું મૂડીરોકાણ વધુ સગવડ અને સલામતીપૂર્ણ છે.
સોનાના
ભાવ છેલ્લા છ મહિનાથી તો પરાકાષ્ટાએ છે. વિવિધ પ્રકારના રોકાણમાં સોનું સલામત તથા નિશ્ચિતપણે
નફાકારક વળતર આપતું માધ્યમ ગણાય છે. સંખ્યાબંધ લોકો એવા છે જેઓ કોઇ ઉપયોગ કે પ્રયોજન
વગર પણ સમયાંતરે સોનાની ખરીદી કરે છે અને ભાવ વધારાનો સારો સમય જોઇને વેચી નાખે છે.
આવા લોકો મોટે ભાગે સિક્કા કે લગડી ખરીદે છે. પરંતુ વર્તમાન કિંમતે તે શક્ય નથી.
સુવર્ણ
એ ભારત જેવા દેશ માટે ફક્ત આર્થિક કે વ્યાપારી મુદ્દો નથી પરંતુ સામાજિક અનુસંધાન ધરાવે
છે. લગ્નપ્રસંગે કન્યાને અને નવવધૂને એટલે કે સાસરા અને પિયર બન્ને પક્ષેથી સોનું આપવાનો
રિવાજ છે અને કેટલાક વર્ગ-જ્ઞાતિમાં તો અકલ્પનીય માત્રામાં સોનું અપાય છે. આ સ્થિતિમાં
લગ્ન તો સોના વગર સંભવ જ નથી તેવો એક ખ્યાલ રુઢ છે. છેલ્લા કેટલાક સમયથી સોનું આ રીતે
ખરીદવાનું પણ બધા માટે શક્ય નથી ત્યારે અગાઉ ખરીદેલા સિક્કા કે લગડી કામ આવી શકે.