ઘરઆંગણે
ભારે તંગીને કારણે ફરી ભારત પાસેથી ખરીદશે રૂસી પ્રોસેસ્ડ ક્રૂડ તેલ
નવી
દિલ્હી, તા.20 : ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે તેલબજારમાં હાહાકાર મચ્યો
છે. અનેક દેશમાં ઈંધણસંકટ સર્જાયું છે અને હવે વૈશ્વિક સ્તર પર નવાં સમીકરણ પણ બની
રહ્યાં છે. આખી દુનિયાને આદર્શનું જ્ઞાન આપતા પશ્ચિમી દેશોએ પણ જમીની હકીકતની આગળ ઝૂકવું
પડયું છે. આ શ્રેણીમાં હવે બ્રિટનનું નામ પણ આવી ગયું છે. બ્રિટન પણ હવે ભારત પાસેથી
પ્રોસેસ્ડ રૂસી તેલ ખરીદવાનું છે. એક અહેવાલ અનુસાર બ્રિટિશ સરકારે રૂસ પર લગાવેલા
પોતાના કડક પ્રતિબંધોને ઘણી હદ સુધી ઢીલા કર્યા છે. બ્રિટને મંગળવારની મોડી રાત્રિના
એક જનરલ લાયસન્સ બહાર પાડયું હતું જેના હેઠળ ભારત અને તુર્કીની રિફાઈનરીઓ પાસેથી રૂસી
ક્રૂડ તેલમાંથી તૈયાર કરવામાં આવેલાં ડીઝલ અને જેટ ઈંધણની આયાતને કોઈ સમયસીમા વિના
કાયદેસર જાહેર કરવામાં આવી હતી. આ નવો આદેશ આજથી જ અમલમાં આવી ગયો છે. વાસ્તવમાં યુક્રેન
યુદ્ધ બાદ બ્રિટને રૂસની અર્થવ્યવસ્થાને ફટકો પહોંચાડવા માટે તેના તેલ ઉત્પાદનો પર
સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ વર્તમાન સ્થિતિએ તેને યુ-ટર્ન લેવા મજબૂર કર્યું
છે.
ક્રૂડની
કિંમતમાં કડાકો થશે : ટ્રમ્પ
અમેરિકી
રાષ્ટ્રપતિએ કહ્યું, ઈરાન યુદ્ધ જલ્દી સમાપ્ત થવાનું છે
નવી
દિલ્હી, તા. 20 : અમેરિકા-ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે દુનિયા ભારે
ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. ક્રૂડની કિંમતમાં ભારે ઉછાળાથી મોંઘવારીનું જોખમ વધ્યું
છે અને તેની અસર બ્રિટનથી લઈને પાકિસ્તાન, બંગલાદેશ તેમજ ભારત સુધી જોવા મળી છે. છેલ્લા
અમુક દિવસથી ક્રૂડની કિંમત 110 ડોલર પ્રતિ બેરલ આસપાસ રહી છે. જો કે ટૂંક સમયમાં કિંમત
ઘટી શકે છે, જેનો સંકેત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો છે. ટ્રમ્પે ફરી
એક વખત દાવો કર્યો છે કે જલ્દી ઈરાન યુદ્ધ ખતમ થઈ જશે અને ક્રૂડની કિંમત ઘટશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ક્રૂડની કિંમત
ઝડપથી ઘટશે અને ઈરાન યુદ્ધ જલ્દી સમાપ્ત થઈ જશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેહરાન
સમજૂતી કરવા તલપાપડ છે અને ત્યાં ઓઈલનો મોટો ભંડાર છે. તેવામાં ક્રૂડની વૈશ્વિક કિંમતમાં
ઘટાડો આવશે.