બંગાળથી
લઈને રાજસ્થાનમાં બનેલી આગની ઘટનાઓ મુદ્દે ચોંકાવનારો ખુલાસો
નવી
દિલ્હી, તા.20: તાજેતરમાં ટ્રેનોમાં આગ લાગવાની દુર્ઘટનાઓનાં સિલસિલા પછી ભારતીય રેલવે
તરફથી આ બારામાં બેહદ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રેલવેએ ઘટનાઓ ફક્ત આકસ્મિક
કે ટેકનિકલ ખરાબીનાં કારણે બની હોવાનું માની લેવાનાં બદલે તેની પાછી કોઈ ઉંડી સાજિશની
શંકા વ્યક્ત કરી હતી.
રેલવેનાં
સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં થયેલી તપાસનાં તારણો
અસામાજિક તત્ત્વોની સંડોવણી તરફ સ્પષ્ટ ઈશારા કરે છે. આ ખુલાસાએ રેલવે ઉપરાંત સુરક્ષા
એજન્સીઓમાં પણ હડકંપ મચાવી દીધો છે. રેલવે પ્રશાસને વિશેષ કરીને ચાર સ્થાને બનેલી ઘટનાનો
ઉલ્લેખ કર્યો છે અને તેનાં હિસાબે સુરક્ષા તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. આમાં રાજસ્થાનનાં
અમરાપુરા અને કોટામાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિહારનાં
સાસારામ અને પશ્ચિમ બંગાળનાં હાવડામાં પણ ટ્રેનમાં લાગેલી આગથી શંકા મજબૂત બની હોવાનું
કહેવામાં આવ્યું છે. રેલવેનાં કહેવા અનુસાર આ ઘટનાઓ પાછળ કોઈ સુનિયોજિત કાવતરું હોઈ
શકે છે. આ ઘટનાઓને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે. અમરાપુરામાં ટ્રેનનાં ધાબડાં
અને ચાદરમાં આગ લગાડવાની કોશિશ થયેલી જોવા મળી હતી અને હાવડાની ઘટનામાં તો કોચનાં બાથરૂમમાં
પેટ્રોલમાં પલાળેલું કપડું પણ મળી આવ્યું હતું. જેનાં હિસાબે આ ઘટનાઓ પાછળ કોઈ અસામાજિક
તત્ત્વોની મોટી દુર્ઘટના સર્જવાની ચાલ હોવાની આશંકા મજબૂત બની છે.