• ગુરુવાર, 21 મે, 2026

દુનિયા જંગલરાજ તરફ આગળ વધી રહી: ચીન

રૂસી રાષ્ટ્રપતિ પુતિન સાથે બેઠક બાદ જિનપિંગે કહ્યું, મધ્યપૂર્વનું યુદ્ધ અટકવું જરૂરી

નવી દિલ્હી, તા.20 : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચેતવણી આપી છે. બીજિંગમાં રૂસના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે બેઠક બાદ તેમણે કહ્યું કે દુનિયા ફરી જંગલરાજ તરફ જઈ રહી છે.

જિનપિંગે જણાવ્યું હતું કે જો યુદ્ધ રોકાશે નહીં તો અંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને વૈશ્વિક સ્થિરતા પર ઘેરી અસર પડશે. તેમણે કહ્યું કે એકતરફી સૈન્ય કાર્યવાહી અને લાંબા સમય સુધી ચાલનારું યુદ્ધ દુનિયાને એવા તબક્કામાં લઈ જઈ શકે છે જ્યાં અંતરરાષ્ટ્રીય નિયમો નબળા પડી જાય. તેથી લડાઈ રોકવી બેહદ જરૂરી છે એમ તેમણે કહ્યું હતું.

જિનપિંગે આ નિવેદન બુધવારે બીજિંગમાં પુતિનના ઔપચારિક સ્વાગત બાદ આપ્યું હતું. બીજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલની બહાર બંને નેતા રેડ કાર્પેટ પર સાથે ચાલ્યા હતા અને સૈન્ય બેન્ડે રૂસ અને ચીનના રાષ્ટ્રગાનની ધુન વગાડી હતી. પુતિન અને જિનપિંગે બીજિંગમાં મુલાકાત દરમ્યાન દુનિયામાં દબદબાની રાજનીતિ સમાપ્ત કરવાની વાત કહી હતી. બંને નેતાઓએ કહ્યું કે રૂસ અને ચીન મળીને વધુ ન્યાયપૂર્ણ અને સંતુલિત વૈશ્વિક વ્યવસ્થા બનાવવાની દિશામાં કામ કરશે. બીજિંગમાં થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં બંને નેતાએ વૈશ્વિક રાજનીતિ, મધ્યપૂર્વનું યુદ્ધ, ઊર્જા સુરક્ષા અને બ્રિકસ જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી. પુતિને કહ્યું કે છેલ્લા પચ્ચીસ વર્ષમાં રૂસ-ચીન સંબંધ ઝડપથી મજબૂત થયા છે અને બંને દેશ સતત સંયુક્ત પરિયોજના પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બંને દેશોની ભાગીદારીનો હેતુ બંને દેશના લોકોની સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક