પીએમ
મોદીએ દ્વિપક્ષીય સંબંધો માટે આપ્યો નવો મંત્ર : સંયુક્ત બ્લોગ પણ પ્રકાશિત
નવી
દિલ્હી, તા. 20 : બે દિવસના પ્રવાસે ઈટાલીના
પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંયુક્ત નિવેદનમાં દ્વિપક્ષીય સંબંધો
માટે નવો મંત્ર આપ્યો હતો. આ ઉપરાંત પ્રવાસ દરમિયાન ભારત અને ઈટાલી વચ્ચે ડીડીડીની
ડીલ થઈ હતી. જેમાં ડિઝાઈન એન્ડ ડેવલોપમેન્ટ ઈન ઈન્ડિયા એન્ડ ઈટાલી એન્ડ ડિલીવર ફોર
વર્લ્ડના સિદ્ધાંત ઉપર ભાર મુકવામાં આવ્યો છે. મોદીએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં
ઘણી વખત ઈટાલીના નજીકના સહયોગી પીએમ મેલોની સાથે મળવાની તક મળી છે. તેમના નેતૃત્વમાં
બન્ને દેશ વચ્ચેના સંબંધને નવી ગતિ, નવી દિશા અને નવો આત્મવિશ્વાસ મળ્યો છે. આ દરમિયાન
પીએમ મોદીએ આતંકવાદ માનવતા માટે ગંભીર પડકાર હોવાનું કહ્યું હતું તેમજ પશ્ચિમ એશિયાના
તણાવ અંગે કહ્યું હતું કે સમાધાન ડાયલોગ અને
ડિપ્લોમસીથી થવું જોઈએ.
આ અગાઉ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ બન્ને દેશના સંબંધ, આર્થિક
વિકાસ અને સહયોગ ઉપર બ્લોગ પ્રકાશિત થયો હતો.
આ બ્લોગમાં બન્ને દેશ વચ્ચે આર્થિક ગતિશીલતા, સામાજિક રચનાત્મકતા અને હજારો
વર્ષ જૂની સભ્યતાગત સમજ ઉપર વિસ્તારથી ચર્ચા
કરવામાં આવી છે.
બન્ને
વર્લ્ડ લીડર તરફથી લખવામાં આવ્યું છે કે મેડ ઈન ઈટાલી હંમેશાથી દુનિયામાં શ્રેષ્ઠતાનું
પ્રતીક રહ્યું છે અને આજે તેની ભાગીદારી મેક ઈન ઈન્ડિયાની પહેલના ઉચ્ચ ગુણવત્તાના લક્ષ્યો
સાથે બની રહી છે. આ સંદર્ભમાં ભારત માટે ઉત્પાદનમાં ઈટાલીની કંપનીઓનો વધતો રસ અને ઈટાલીમાં
ભારતીય ઈન્ડસ્ટ્રીઝની વધતી હાજરી સકારાત્મક સંદેશ છે, જે સપ્લાઈ ચેનને મજબૂત બનાવશે.લેખમાં
કહેવામાં આવ્યું છે કે આવી કંપનીઓની સંખ્યા બન્ને તરફ 1,000થી વધી ચુકી છે.
બન્ને
નેતાઓ દ્વારા લેખમાં લખવામાં આવ્યું હતું કે ભારત અને ઈટાલી વચ્ચેના સંબંધ હવે નિર્ણાયક
સ્તરે પહોંચી ચુક્યા છે અને બન્ને દેશ વચ્ચેના સંબંધમાં છેલ્લા અમુક વર્ષમાં અભૂતપૂર્વ
તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારત
અને ઈટાલીની ભાગીદારી ઉચ્ચ રાજનીતિક અને સંસ્થાગત નિયમિત સંવાદ ઉપર આગળ વધી રહી છે
અને નવા સિમાચિહ્ન મેળવી રહી છે. આ સહયોગ બન્ને દેશની સમજ દર્શાવે છે.
બ્લોગમાં
કહેવામાં આવ્યું છે કે બન્ને દેશનું લક્ષ્ય 2029 સુધીમાં ઈટાલી અને ભારત વચ્ચે 20 બિલિયન
યૂરોના ટ્રેડ લક્ષ્યને મેળવવાનું અને તેનાથી આગળ નિકળવાનું છે. આ માટે ડિફેન્સ, એરોસ્પેસ,
ક્લીન ટેક્નોલોજી, મશીનરી, ઓટોમોટિવ સામગ્રી, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ,
એગ્રી ફૂડ, ટુરિઝમ સહિતના ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.