મહારાષ્ટ્રની રાજનીતિના મહારથી શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફરીથી વખાણ કરીને રાજકીય ક્ષેત્રે ફરી ચર્ચા છેડી દીધી છે. વડાપ્રધાનના વિદેશ પ્રવાસથી લઈને તેમણે ત્યાંથી આપેલી ચેતવણીની વાતો આંતરરાષ્ટ્રીય માધ્યમો ઉપર છે. પરદેશી પત્રકાર પણ સતત સોશિયલ મીડિયા ઉપર ચમક્યા છે કારણ કે તેમને સંતોષકારક જવાબ મળ્યો નથી. રાહુલ ગાંધીએ વળી સાવ જુદી રીતે વડાપ્રધાન ઉપર તીર છોડયાં. પરંતુ વરિષ્ટ રાજકારણી શરદ પવારે જે વાત કરી છે તે ફક્ત નરેન્દ્રભાઈના સંદર્ભે નહીં, લોકશાહી અને રાજકીય ક્ષેત્રની પરિપક્વતા માટે અગત્યની છે. જે ઊંચાઈ શરદ પવારે બતાવી છે તેવી અપેક્ષા દેશના તમામ નેતાઓ, વિશેષત: આવા ઉચ્ચ સ્તરીય નેતાઓ પાસે રહે.
મહારાષ્ટ્રના
પૂર્વ મુખ્યમંત્રી, એનસીપીના સ્થાપક શરદ પવારે મંગળવારે પુણેમાં લક્ષ્મણરાવ ગુટ્ટે
રુરલ ડેવલવમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે અમારી
રાજકીય વિચારધારા ભલે નરેન્દ્ર મોદીથી અલગ હોય પરંતુ પ્રધાનમંત્રીના રુપમાં તેઓ ભારતની
વૈશ્વિક છબિને મજબૂત બનાવવામાં સાતત્યપૂર્ણ
પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યંy કે જ્યારે દેશના સન્માનની વાત હોય ત્યારે આપણે આપણા
રાજકીય મતભેદ વચ્ચે લાવવા જોઈએ નહીં, પવારે આ વાત બરાબર ત્યારે જ કરી છે જ્યારે રાહુલ
ગાંધી વડાપ્રધાનના વિદેશ પ્રવાસ વિશે વિવિધ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. પવારની
આ વાત અત્યંત અગત્યની છે. છેલ્લા ઘણા સમયથી નેતાઓ વિવેક ચૂકી જાય છે. કોઈને સાપ કહેવા
તો કોઈને આતંકવાદી કહેવાના બનાવ વારંવાર ગાજે છે.
રાજકીય
કે સાર્વજનિક ક્ષેત્રે ભિન્નમત, વિચારભેદ તો રહેવાના અને તે વ્યક્ત પણ થવા જોઈએ પરંતુ
વ્યક્તિગત સન્માન અલગ છે. બંધારણીય પદનું સન્માન વળી સાવ અલગ બાબત છે. કોઈ પણ નેતાએ
તે મૂલ્યો જાળવવા જ જોઈએ. પવારે તેમના વક્તવ્યમાં પંડિત નહેરુને યાદ કરીને કહ્યું કે
પોતે 1958માં તેઓને મળવા ગયા ત્યારે અનેક પ્રશ્નોની યાદી લઈને ગયા પરંતુ તેમના પ્રભાવશાળી
વ્યક્તિત્વ સામે ઊભા રહ્યા અને બધું ભૂલી ગયા. ઈન્દિરા ગાંધીએ સોવિયત પ્રવાસ વખતે કોઈ
સમાધાન ન કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું તે પણ તેમણે યાદ કર્યું હતું. ઉલ્લેખનીય
છે કે આ જ શરદ પવાર કોંગ્રેસમાંથી પછીથી અલગ થયા હતા. 2022માં પણ તેમણે નરેન્દ્ર મોદીની
પ્રશંસા કરી હતી. કોઈ એક પક્ષના નેતા અન્ય પક્ષના નેતાની વિરુદ્ધ જ બોલે તે માનસિકતા
નબળી છે. સારી વાત હોય તો તેના વખાણ થવા જ જોઈએ. વિચારભેદ શત્રુતા નથી અને રાષ્ટ્રીય
સન્માન રાજકીય અલગતા કરતાં ઉપર છે આ બન્ને બાબતે પવાર સાથે સંમત થવું જોઈએ, દરેક પક્ષના
નેતાએ પવારની આ વાતનું અનુસરણ કરવું જોઈએ, વિશ્વની સૌથી મોટી લોકશાહી તો જ પરિપક્વ
કહેવાય.