• સોમવાર, 25 મે, 2026

30 દિવસમાં સામાન્ય થશે હોર્મુઝમાં જહાજનો ટ્રાફિક

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીને અપાતો આખરી ઓપ : ટ્રમ્પે કહ્યું, ડીલ ઘણાં અંશે ડન : અમારું ધ્યાન થોપવામાં આવેલા યુદ્ધને સમાપ્ત કરવાં ઉપર : ઈરાન

 

નવીદિલ્હી,તા.24: ઈરાન-અમેરિકાનાં યુદ્ધમાં ઊર્જા સંકટમાં મૂકાઈ ગયેલી દુનિયા માટે મોટી રાહતનાં સમાચાર મળવાની મજબૂત આશા બંધાઈ છે. ઈરાને એક મોટું એલાન કરતાં કહ્યું છે કે, 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોનું પ્રમાણ અગાઉ જેટલું થઈ શકે છે. એટલે કે, જંગ પહેલા આ જળમાર્ગમાંથી જેટલા જહાજો પસાર થતાં હતાં એટલા જ ફરીથી ત્યાંથી વહન કરવા માંડશે. ઈરાનની જેમ અમેરિકાથી પણ આવી જ રાહતનો સંકેત આપતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈઝરાયલ અને અન્ય સહયોગી દેશ સાથે વાતચીત પછી ઈરાન સાથે શાંતિ સમજૂતી ઘણા અંશે નક્કી થઈ ગઈ છે. હવે આની ઔપચારિક ઘોષણા પહેલા સમજૂતીનાં અંતિમ વિવરણો ઉપર ચર્ચા ચાલી રહી છે.

ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, એક સમજૂતી લગભગ નક્કી થઈ ગઈ છે. જેને અમેરિકા, ઈરાન અને અન્ય દેશો વચ્ચે અંતિમ રૂપ આપવાનું જ બાકી છે. તેમણે આગળ લખ્યું હતું કે, ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન      

નેતન્યાહૂ સાથે અલગથી જે વાટાઘાટ કરવામાં આવી, તે પણ સારી કરી છે.

સામે પક્ષે ઈરાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઈસ્માઈલ બાગઈએ કહ્યું હતું કે, હાલનાં તબક્કે તો અમારું ધ્યાન થોપવામાં આવેલા યુદ્ધને સમાપ્ત કરવા ઉપર છે. અમારો ઈરાદો સૌથી પહેલા 14 મુદ્દાવાળી સમજૂતી ઉપર સહમતી સાધવાનો છે. જે મુદ્દા ઉપર ચર્ચા થઈ રહી છે તેનો મુખ્ય હેતુ યુદ્ધ સમાપ્ત કરવાનો છે.

અન્ય એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શાંતિ સમજૂતી માટે ઈરાન હવે સંવર્ધિત યુરેનિયમને છોડવા માટે રાજી થઈ ગયું છે. લાંબા સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ મુદ્દે જ ખેંચતાણ ચાલી રહી હતી.

જો કે આ સમજૂતી પહેલા જ ઈરાને દુનિયાને મોટી રાહતનાં સમાચાર આપી દીધા છે. ઈરાનનાં મીડિયાનાં અહેવાલો અનુસાર યુદ્ધ પહેલાની સ્થિતિ હોર્મુઝમાં પૂર્વવત્ થઈ જશે. જો કે, ઈરાને એવું પણ સ્પષ્ટ કર્યુ છે કે, સમજૂતીનો વ્યાપ સીમિત રહેશે. અહેવાલો અનુસાર 30 દિવસમાં હોર્મુઝમાંથી પસાર થનાર વાણિજ્યિક જહાજોની સંખ્યા પૂર્વવત્ કરવા ઉપર સહમતી થઈ રહી હોય તેવા સંકેત મળી રહ્યાં છે. જેનાથી દુનિયામાં ઈંધણ અને માલ પરિવહનને ફરીથી વેગ મળી શકે છે. જો કે સુરક્ષા અને વ્યૂહાત્મક રીતે સ્થિતિને હજી પહેલા જેટલી સુચારુ તો માની શકાય તેમ નહીં જ હોય.

 ટૂંક સમયમાં સારા સમાચાર મળશે : ભારતમાંથી રુબિયોનો સંકેત

 

નવી દિલ્હી, તા. 24 : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો વર્તમાન સમયે ભારત પ્રવાસે છે. આ દરમિયાન રવિવારે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બન્ને દેશના નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં ઊર્જા, વ્યાપાર, રોકાણ, મહત્વની ટેક્નોલોજી અને લોકો વચ્ચે સંબંધોને મજબૂત બનાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન રુબિયોએ એક મહત્વની ઘોષણા કરતા કહ્યું હતું કે આગામી અમુક કલાકમાં જ સારા સમાચાર પણ મળવાના છે. રુબિયોનું આ નિવેદન અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતીને લઈને હતું. જેમાં હોર્મુઝ સહિતના મામલે એક નક્કર સમજૂતી થવાની અટકળો છેલ્લા અમુક દિવસથી શરૂ થઈ હતી.

વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકી સમકક્ષ માર્કો રુબિયોની બેઠક બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં રુબિયોએ કહ્યું હતું કે, અમેરિકાના દુનિયાભરના દેશો સાથે સંબંધ છે અને ભારતને પણ છે. એક રણનીતિક ભાગીદારી ખુબ અલગ હોય છે. આવી ભાગીદારી ત્યારે થાય છે જ્યારે બે દેશના હિત સમાન હોય છે અને તેનો ઉકેલ કરવા સાથે મળીને કામ કરવામાં આવે છે. રુબિયોએ ભારત-અમેરિકાના સંબંધોની સરાહના કરતા કહ્યું હતું કે તેઓ આગળની યાત્રા અને વાતચીત માટે ઉત્સુક છે. અમેરિકા અને ભારત માત્ર સહયોગી નહી પણ રણનીતિક ભાગીદાર છે, જે ખુબ જ મહત્વપુર્ણ છે. બન્ને દેશ પાસે સાથે મળીને કામ કરવા અને ચર્ચા કરવા માટે ઘણું છે. આ સાથે એમ પણ કહ્યું હતું કે અમેરિકા અને ભારતના સંબંધો ક્યારેય બગડયા જ નથી.

બીજી તરફ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે રણનીતિક સમજ એક રણનીતિક ભાગીદારી કરતા પણ ઉપર છે. જે ઘણા ક્ષેત્રના હિતને આધારીત છે. જયશંકરે આગળ કહ્યું હતું કે દૂતાવાસમાં થયેલી બેઠકમાં પશ્ચિમ એશિયા, ભારતીય ઉપમહાદ્વીપ અને પૂર્વ એશિયા સંબંધિત ઘટનાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને વિચારવિમર્શ થયો હતો. જયશંકરે કહ્યું હતું કે રુબિયોની પદ સંભાળ્યા બાદ પહેલી યાત્રા છે પણ બન્ને દેશ વચ્ચેના સંબંધ નિયમિત રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલ ભોજરાજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની કોહવાયેલી લાશ મળી May 25, Mon, 2026