ફૂટબૉલ ટીમ ગેમ છે, એ વાતનું પ્રતિપાદન ફિફા વર્લ્ડ કપ વિજેતા સ્પૅને ફાઈનલમાં દાખવેલી રમતથી વધુ એકવાર થયું. સ્પૅન પાસે ન તો મૅસી હતો, ન રૉનાલ્ડો કે ન ઍમ્બાપે છતાં આ ટીમે સંઘભાવના અને સૌના પ્રયાસોથી મૅસીના આર્જેન્ટિના, રૉનાલ્ડોના પૉર્ટુગલ અને ઍમ્બાપેના ફ્રાન્સને પરાજય આપ્યો. 19 વર્ષનો લામિન યમલ સ્પૅનનો સૌથી જાણીતો ફૂટબૉલર ખરો, પણ સ્પૅનનો લામિન એવી ઓળખ નથી અને ન તો તેની આસપાસ આ ટીમ રમે છે કે ન તો બધા જ ખેલાડીઓ તેને ગોલ કરવાની તક મળે એ માટેના પ્રયાસો કરે છે. બધી જ મૅચમાં તે પોતાને અપાયેલી ભૂમિકાના દાયરામાં રહી રમ્યો અને રમત તથા દેશનું ગૌરવ વધાર્યું. અભેદ્ય ડિફેન્સ, સંયમ, આયોજનબદ્ધ પાસિંગ તથા ટીમવર્ક આ ચાર બાબતો સ્પૅનના વિજયના પાયામાં છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના ફેવરિટ તરીકે સ્પર્ધામાં ઊતર્યા હતા અને ફિફા જાણે કે તેમને આ વખતે પણ વિજેતા બનાવવા માગતું હોય, એ પ્રકારના રેફરીના નિર્ણયો પણ ચર્ચાના ચકડોળે હતા. ફાઈનલમાં પણ આર્જેન્ટિનાના ખેલાડીઓ દડાને બદલે પ્રતિસ્પર્ધી ટીમના ફૂટબૉલરોને જ ઠેબે ચડાવતા વધુ જોવા મળ્યા હતા. આમ છતાં, એક પણ વાર સ્પૅનિશ ગોલની દિશામાં એકપણ ફટકો મારવાની તક આર્જેન્ટિનાને મળી નહીં અને સ્પૅને લગભગ બે ડઝન વખત વિરોધી ટીમના ગોલપૉસ્ટ પર આક્રમણ કર્યું.
આ વિજય સ્પૅનના ટીમ કલ્ચર ઉપરાંત ફૂટબૉલ સંસ્કૃતિ અને ટિકિ ટાકા ફિલોસોફી તથા માળખાકીય સુવિધાઓમાં કરેલા રોકાણને આભારી છે. સ્પૅનના ફૂટબૉલ ક્લબ્સને કારણે સારા ખેલાડીઓ પાક્યા છે અને આ દેશમાં ખેલાડીઓ તૈયાર કરવા માટેની એકેડેમી સાથે કોચ ઘડવા માટેની એકેડેમી પણ છે. યુરોપિયન લીગ જીતનાર સ્પૅન 2024માં અૉલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા છે, એ બહુ ઓછા લોકોને યાદ રહ્યું છે. આ બાબત દેખાડે છે કે, અન્ય ટીમોની સરખામણીમાં સ્પૅનની આસપાસ લાઈમલાઈટ ખાસ્સી ઓછી છે. સ્પર્ધામાં ટીમનો દેખાવ સાતત્યપૂર્ણ હોવાની સાથે ફૂટબૉલની રમતના સ્પિરિટને અનુરૂપ હતી. ફાઈનલમાં પણ પાસિંગને મહત્ત્વ આપી ગોલ કરવાની તક નિર્માણ કરતા રહેવા સાથે ડિફેન્સ અને આક્રમણ વચ્ચે સંતુલન રાખનારી રમત કરી એના કારણે જ આખી સ્પર્ધામાં તેમની સામે વિરોધી ટીમ એક જ ગોલ કરી શકી હતી. સ્પર્ધામાંની સારી બાબતોની યાદી લાંબી છે - મુંબઈના એકાદ પરા જેટલી વસ્તી ધરાવતા કૅપ વર્ડે જેવા નાના સ્પૅન અને આર્જેન્ટિનાને પોતાની સામે એક પણ ગોલ કરવા ન દીધો, તો ઈરાને પ્રતિકૂળ પરિસ્થિતિમાં દાખવેલી મક્કમ રમત, ઈજિપ્ત, મોરોક્કો, કૉન્ગો અને સેનેગલ જેવાં રાષ્ટ્રોએ પોતાનો પરચમ બુલંદ રાખ્યો. આયોજનમાં અમેરિકાની દાદાગીરી અને ફિફાની શિરજોરી છતાં આ વિશ્વ કપમાં સોમોસ કૅમ્પીઓન એટલે કે અમે ચૅમ્પિયન્સ છીએ કહેતા સ્પૅનનો વિજય આ બન્નેના મોઢા પર સણસણતો તમાચો છે.