- બન્ને ટીમ પાસે શ્રેણી જીતનો સમાન અવસર ઃ સિકંદર રઝા
નવી દિલ્હી, તા.21 ઃ બ્રિટન પ્રવાસની નિષ્ફળતા બાદ ટીમ ઈન્ડિયા હવે તા. 23 જુલાઇથી
ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રણ મેચની ટી-20 શ્રેણી
રમશે. શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને આ શ્રેણીમાં તક અપાઈ છે. ખાસ કરીને 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશીના દેખાવ પર તમામની નજર રહેશે. તેને ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂનો મોકો અપાયો હતો, પણ ત્રણેય ટી-20 મેચમાં
તે નિષ્ફળ રહ્યો હતો. શ્રેણીનો પહેલો મેચ ગુરુવારે હરારેમાં રમાશે અને 4-30થી શરૂ થશે. આ શ્રેણીનું જીવંત પ્રસારણ ઝી નેટવર્કની ચેનલ યુનાઇટ સ્પોર્ટ્સ પરથી થશે જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ નામની એપ પરથી થશે.
આ શ્રેણી અગાઉ ઝિમ્બાબ્વે ટીમના કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર સિકંદર રઝાએ કહ્યું છે કે આ શ્રેણીમાં બન્ને ટીમમાંથી કોઇને વિજયની પ્રબળ દાવેદાર ગણી શકાય નહીં. બન્ને ટીમ પાસે શ્રેણી જીતનો સમાન અવસર છે. અમારી ટીમ પાછલા કેટલાક સમયથી સારું ક્રિકેટ રમી રહી છે. આથી આ શ્રેણી એકતરફી બની રહેશે નહીં.
ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં આયરલેન્ડ સામે અને ઇંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણી
ગુમાવી છે. બીજી તરફ ઝિમ્બાબ્વે ટીમે આ વર્ષે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને બાંગલાદેશ વિરુદ્ધ ઉલ્લેખનીય મેચ વિજય હાંસલ કર્યા છે.