એરંડાના વાવેતરમાં સપ્તાહમાં મોટો વધારો ઃ નવા કપાસની ધીમી આવક શરૂ
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 17
ઃ વરસાદની લગાતાર ખેંચને લીધે કિસાનો ભારે ચિંતામાં મૂકાયા છે. પાછલા પંદર દિવસથી વરસાદે વિરામ લઇ લીધો હોય અનેક તાલુકાઓમાં પિયતની સમસ્યા થવા લાગી છે. બીજી તરફ ભારે વરસાદવાળા વિસ્તારોમાં વરાપની રાહ ખેડૂતો જોઇ રહ્યા છે. અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક વિપરિત તો ક્યાંક ઉજળા સંજોગ વચ્ચે ખરીફ વાવણી પ્રગતિ કરી રહી છે. છેલ્લાં સપ્તાહમાં એરંડા, ડાંગર, તુવેર અને ગુવારના પાકમાં નોંધપાત્ર વધારો દેખાયો છે. કપાસ અને મગફળીની વાવણી સ્થિર થઇ ગઇ છે કારણકે હવે વાવણી થઇ શકે તેમ નથી. ઉલટુ કપાસમાં તો નવા માલની ધીમી ધીમી આવક દેખાવાનું શરૂ થયું છે.
એક સપ્તાહમાં એરંડાના વાવેતરમાં મોટો ઉછાળો નોંધાયો છે. એરંડાનું વાવેતર 3.62 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. સપ્તાહ પૂર્વે આ આંકડો 2.38 લાખ હેક્ટરનો હતો.વાવેતર એક લાખ હેક્ટર કરતા વધારે ઉંચકાયું છે. આશરે સવા લાખ હેક્ટરનો વધારો થયો છે.
જોકે વરસાદની ખેંચ એરંડાના વાવેતરમાં પણ સમસ્યા બની રહી છે. કારણકે ગયા વર્ષની તુલનાએ એરંડાનું વાવેતર ઓછું છે. પાછલી સીઝનમાં 4.47 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું હતુ. જોકે હવે વાવેતરને આશરે એક મહિના જેટલો સમય બાકી છે એટલે વિસ્તારમાં વધારો થવાની ધારણા છે. એરંડાનો વિસ્તાર ગુજરાતમાં સરેરાશ 6થી 7 લાખ હેક્ટર વચ્ચે રહે છે.
ગુજરાતમાં ડાંગરના વાવેતર પણ વેગથી થઇ રહ્યા છે. ડાંગરનો વિસ્તાર 82 હજાર
હેક્ટર જેટલો સપ્તાહમાં વધ્યો છે. ગુજરાતમાં 8.42 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. સરેરાશ 8થી 9 લાખ હેક્ટરમાં વાવણી થતી હોય છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 76.17 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. જે ગયા વર્ષમાં 78.05 લાખ હેક્ટર રહી હતી. વાવેતરમાં હજુ સરેરાશની તુલનાએ 11 ટકા જેટલી ખાધ દેખાય છે.
મગફળી, કપાસ અને સોયાબીન જેવા મહત્ત્વના અને મુખ્ય પાકના વાવેતર સ્થિર થઇ ગયા છે. તુવેરનું વાવેતર 2.61 લાખ હેક્ટરમા થયું છે. જે સરેરાશથી 1 ટકા વધારે છે. અડદનું વાવેતર પણ સરેરાશ કરતા 6 કા વધારે છે.
ખેડૂતો કહે છે, વાવેતર વિસ્તાર ધીરે ધીરે કવર થઇ રહ્યો છે પણ વરસાદની અનિશ્ચિતતાને લીધે અત્યારે ઉત્પાદન અંગે ભારે ચિંતા ફેલાઇ છે.વાતાવરણ વાદળિયું છે એટલે જે વિસ્તારમાં વરસાદ ઓછો છે ત્યાં સમસ્યા નથી પણ તંગી છે ત્યાં વરસાદની જરૂર છે. વધારે વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતો વરાપ ઝંખે છે. સૌરાષ્ટ્રભરમાં વાવણી ચક્ર બે ત્રણ તબક્કાનું રહ્યું છે એટલે પાકના ઉત્પાદન અંગે અસમંજસ ફેલાય એવી શક્યતા છે.