- માનવની 4 અને રવીન્દ્રની 3 વિકેટ ઃ શ્રીલંકા તરફથી સોનલ દિનુષાની લડાયક સદી અને ડિકવેલાના 80 રન ઃ પ્રથમ ટેસ્ટના સતત ત્રીજા દિવસે વરસાદનું વિઘ્ન
ગોલ, તા.17 ઃ માનવ સુથાર (4 વિકેટ)
અને રવીન્દ્ર જાડેજા (3 વિકેટ)ની ફિરકી સામે શ્રીલંકા ટીમ 284 રને ઓલઆઉટ થઈ હતી. આથી ભારતીય ટીમને 178 રનની
નિર્ણાયક અને મોટી સરસાઈ મળી છે. શ્રીલંકા તરફથી સોનલ દિનુષાએ મેઇડન સેન્ચૂરી ફટકારી હતી. ભારતના પહેલા દાવમાં 462 રન થયા હતા. આજે મેચના સતત ત્રીજા દિવસે વરસાદનું વિઘ્ન સર્જાયું હતું. શ્રીલંકન ટીમ ઓલઆઉટ થયા બાદ વરસાદ શરૂ થતાં અમ્પાયર્સે ત્રીજા દિવસની રમત સમાપ્ત જાહેર કરી દીધી હતી. મેચના આવતીકાલ ચોથા દિવસે ભારતીય ટીમનું લક્ષ્ય ઝડપી 22પથી 2પ0 રન કરી શ્રીલંકાને 3પ0 રન આસપાસનું લક્ષ્ય આપવાનું રહેશે. જો કે ચોથા દિવસે પણ વરસાદ ટીમ ઇન્ડિયા માટે વિલન બની શકે છે.
ભારતીય બોલર્સ આજે શરૂઆતમાં જ ત્રાટકયા હતા. શ્રીલંકાની પ વિકેટ 90 રનમાં
પાડી દીધી હતી. દબાણની આ સ્થિતિમાં 3 વર્ષ પછી ટીમમાં વાપસી કરનાર વિકેટકીપર નિરોશન ડિકવેલા અને યુવા બેટર સોનલ દિનુષા વચ્ચે છઠ્ઠી વિકેટમાં ભારતીય બોલરોને હંફાવીને 217 દડામાં
146 રનની લડાયક ભાગીદારી થઈ હતી. ડિકવેલલા ફરી એકવાર તેની પહેલી સદી ચૂકી ગયો હતો અને 11પ દડામાં 7 ચોક્કાથી 80 રને આઉટ થયો હતો જ્યારે સોનલ દિનુષાએ ટેસ્ટ કેરિયરની પહેલી સદી કરી હતી. તે 168 દડામાં
4 ચોક્કા-2 છક્કાથી 100 રને જાડેજાનો શિકાર થયો હતો. બાદમાં શ્રીલંકાની ટીમ ફરી ફસકી ગઈ હતી અને 79.4 ઓવરમાં
284 રને ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી યુવા સ્પિનર માનવ સુથારે 4 અને રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. સિરાજ, કુલદીપ અને પ્રસિદ્ધને 1-1 વિકેટ
મળી હતી.
શ્રીલંકન ઓપનર નિશાન મદુશ્કા પહેલી ઓવરમાં સિરાજનો શિકાર થયો હતો. લાહિરુ ઉદારાએ 27, દિનેશ
ચંડિમાલ 4, કામિન્ડુ
મેન્ડિસ 14 અને કપ્તાન ધનંજય ડિસિલ્વા 21 રને આઉટ થયા હતા.
આ પહેલા આજે સવારે ભારતીય ટીમ તેના ગઇકાલના સ્કોરમાં બે રનનો ઉમેરો કરીને 462 રને ઓલઆઉટ થઈ હતી.