• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

‘આર્થિક વિશ્વયુદ્ધ’ સામે ભારત સજ્જ થાય છે

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ઉપર લશ્કરી વિજય મેળવી શક્યા નથી. હકીકતમાં એમનો શત્રસરંજામ ખૂટી ગયો અને એમની ધીરજ પણ ખૂટી ગઈ છે. ઈરાન જેવા વામનદેશે વિશ્વની મહાસત્તા - વિરાટ અમેરિકાને હંફાવી દીધું છે - વિશ્વની દૃષ્ટિએ હરાવી દીધું છે ત્યારે ટ્રમ્પ હવે ઈરાન ઉપર આર્થિક આક્રમણ - ઘેરાબંધી કરી રહ્યા છે. ટ્રમ્પના ઉચ્ચ અધિકારીઓએ કરેલી જાહેરાત - વાસ્તવમાં ધમકી છે. ઈરાન સાથે વ્યાપાર કરતા - આર્થિક સંબંધ રાખતા તમામ ભારત અને ચીન સહિત સંખ્યાબંધ દેશોને ‘આખરી ચેતવણી’ આપી છે - ઈરાન સાથે આર્થિક - વ્યાપારી સંબંધ રાખશો તો અમેરિકાના ખોફ માટે તૈયાર રહેજો.

આમ પણ છેલ્લા ઘણા મહિનાઓથી ટ્રમ્પે ટેરિફ આક્રમણ કરીને મનફાવે તેવી આયાત જકાતો વધારી છે. તાજેતરમાં એમનો પાડોશી દેશ કૅનેડા પણ નિશાન બન્યો છે પણ હવે એમ લાગે છે કે અમેરિકા વિશ્વની એકમાત્ર મહાસત્તા છે એમ બતાવી આપવા માટે ‘આર્થિક વિશ્વયુદ્ધ’ની ભૂમિકા બાંધી રહ્યા છે. ઈરાનને આર્થિક રીતે ‘ભૂખે મારવા’ માટે હવે તેના વ્યાપારી ભાગીદાર દેશોને ધમકી આપી છે. ઈરાનના ડિજિટલ કેન્દ્ર, ટેક્નૉલૉજી, સોનું, વિમાન તથા જહાજી માર્ગોને ખતમ કરીને - એમના શ્વાસ રૂંધાઈ જાય એ દિશામાં આગળ વધી રહ્યા છે. ઈરાનના જે મિત્રદેશો તેલ ખરીદી રહ્યા છે - તેમાં યુએઈ, હૉંગકૉંગ, ચીન, સિંગાપોર અને યુરોપના દેશોનો સમાવેશ છે.

પ્રેસિડન્ટ ટ્રમ્પની ધમકીની વિગતો હજી જાહેર થઈ નથી પણ વ્યાપારમાં ભાગીદારો - ભારત અને ચીન મુખ્ય છે. તુર્કી, ઇરાક, પાકિસ્તાન અને રશિયા પણ સામેલ છે. ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો ઉપર અમેરિકા દંડાત્મક જકાત વધારા જાહેર કરી શકે છે. અમેરિકાનાં જ્યાં લશ્કરી મથકો છે અને અમેરિકાને સહકાર - સગવડ આપે છે તેના ઉપર ઈરાને ડ્રૉન હુમલા કરીને ભારે નુકસાન કર્યું છે - હવે અમેરિકા ઈરાનના મિત્ર અથવા ભાગીદાર દેશો ઉપર બદલો લેવા માગે છે.

ઈરાનના મુખ્ય પાંચ વ્યાપારી ભાગીદાર દેશોમાં ભારત પણ છે. તાજેતરનાં વર્ષોમાં દ્વિપક્ષી વ્યાપાર ઘટયો છે. આપણે ચોખા, ચા, ખાંડ તથા ઔષધો - ફાર્મસી પેદાશોની નિકાસ કરીએ છીએ અને ખનિજ - ક્રૂડતેલની આયાત થાય છે. હવે જો ઈરાનથી તેલ ખરીદી ઉપર ધમકી આવે તો ભારતે વિચાર કરવો પડશે.

પણ ટ્રમ્પ સાહેબના મિજાજ અને વચન ઉપર કોઈને ભરોસો નથી. ભારતને પણ નહીં. તેથી જ વડા પ્રધાને પાણી પહેલાં પાળ બાંધવાની શરૂઆત કરી છે. વિદેશપ્રધાન જયશંકરને મૉસ્કો મોકલ્યા છે - વડા પ્રધાનનો પત્ર લઈને! રશિયા સાથે સંરક્ષણ સરંજામ ઉપરાંત આર્થિક સહકાર વધારવાની વાટાઘાટ થઈ રહી છે. જાપાન, કૅનેડા તથા ચીન સાથે સમજૂતી થવાની શક્યતા છે. આગામી દિવસોમાં ટ્રમ્પ કોઈ - આક્રમક પગલાં ભરે તો પણ આપણા અર્થતંત્રને આંચ આવે નહીં તેવી વ્યવસ્થા થઈ રહી હોય એમ જણાય છે. રક્તવિહીન આર્થિક વિશ્વયુદ્ધ થાય તો કટોકટીને પહોંચી વળવા ભારત સજ્જ થઈ રહ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક