• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનાં ત્રણ નવા ભેદી ઢાંચા

નવી દિલ્હી, તા.2પ: દક્ષિણ ચીન સાગર એટલે કે સાઉથ ચાઇના સીમાં ચીનના નવા નિર્માણે ફરી એકવાર ગંભીર સવાલ અને ચિંતા પેદા કરી દીધી છે. સેટેલાઇટ તસવીરોમાં પેરાસેલ દ્વીપસમૂહના યાગોંગ દ્વીપ પર ત્રણ નવા માળખાં જોવા મળ્યાં છે. આ તસવીરો 17 ઓગસ્ટ 2026ની છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ માળખાં રડાર સ્ટેશન અથવા નિરીક્ષણ કેન્દ્ર હોઈ શકે છે. જોકે, હાલમાં એ સ્પષ્ટ નથી કે તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવશે.

યાગોંગ દ્વીપ પેરાસેલ દ્વીપસમૂહના ક્રેસન્ટ ગ્રુપનો ભાગ છે. જો અહીં રડાર સ્ટેશન બનાવવામાં આવ્યું હોય, તો તેના દ્વારા આસપાસના સમુદ્રી વિસ્તાર અને આકાશમાં થતી ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.

ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ ટ્રેકર ડેમિયન સાયમને કહ્યું કે હાલમાં આ ચોક્કસપણે રડાર સ્ટેશન જ છે એવું કહેવું ઉતાવળભર્યું રહેશે. સિંગાપોરના સુરક્ષા નિષ્ણાત કોલિન કોહનું પણ માનવું છે કે આ એક નાનું દેખરેખ કેન્દ્ર હોઈ શકે છે. જોકે, ઉપલબ્ધ તસવીરોને ધ્યાનમાં લેતાં તેમને આ રડાર સ્ટેશન હોવાની શક્યતા વધુ લાગે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, યાગોંગ અને એન્ટિલોપ રીફ પર થઈ રહેલા બાંધકામથી આ વિસ્તારમાં ચીનની હાજરી વધુ મજબૂત થઈ શકે છે પરંતુ યાગોંગ દ્વીપ પર બનાવવામાં આવેલા ત્રણ નવા માળખાંનો ચોક્કસ ઉપયોગ હજુ સ્પષ્ટ નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક