અરજી દાખલ કરીને 11 માર્ચનાં ચુકાદાની સ્પષ્ટતા માગી : ચુકાદો CSE-2025નું પરિણામ પછી આવતાં મુંઝવણ
નવીદિલ્હી,તા.2પ:
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે 11 માર્ચના એક ચુકાદાને લઈને સ્પષ્ટતા અને યોગ્ય
નિર્દેશોની માગ કરી છે. આ ચુકાદામાં 2016થી સિવિલ સર્વિસ પરીક્ષા (સીએસઈ)માં પસંદગી
પામેલા, પરંતુ ક્રીમી લેયરના આધારે નકારી કાઢવામાં આવેલા આશરે 100 ઓબીસી ઉમેદવારોના
દાવાઓ પર વિચાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ
વિભાગ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. આ પહેલા રોહિત નાથન દ્વારા દાખલ કરવામાં
આવેલી અપીલ પર સુનાવણી દરમિયાન જસ્ટિસ પી.એસ. નરાસિંહા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે
11 માર્ચે ચુકાદો આપ્યો હતો કે, ઓબીસીમાં ક્રીમી લેયર નક્કી કરવા માટે માત્ર આવકને
એકમાત્ર આધાર બનાવી શકાય નહીં.
હવે
કેન્દ્ર સરકાર દ્વારા આ અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે અસરગ્રસ્ત ઉમેદવારોના
દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે અને સરકાર ચુકાદો અમલમાં મૂકવાની તૈયારી કરી રહી
હતી. બીજી તરફ, સીએસઈ-2025 બેચના ફાઉન્ડેશન કોર્સની શરૂઆત પણ આ જ અઠવાડિયે મસૂરી સ્થિત
લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી અૉફ એડમિનિસ્ટ્રેશનમાં થવાની છે.
કેન્દ્રનું
કહેવું છે કે 11 માર્ચનો ચુકાદો સીએસઈ-2025નું અંતિમ પરિણામ જાહેર થયાના પાંચ દિવસ
બાદ આવ્યો હતો. સરકારને આશંકા છે કે કેટેગરી મુજબની મેરિટ અને સેવા ફાળવણીની યાદીને
અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થવાથી વ્યાપક અસર પડી શકે છે. જેમાં તાલીમ કાર્યક્રમ પ્રભાવિત
થઈ શકે છે. આ ઉપરાંત બેચની સંખ્યા અને લોજીસ્ટિક્સની વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે
છે. અધિકારીઓના કેડરની ફાળવણીમાં ફેરફાર થઈ શકે છે. નવા બેચની વરિષ્ઠતા અને પગાર નિર્ધારણ
પર પણ અસર પડી શકે છે. કેન્દ્રએ કહ્યું છે કે સીએસઈ-2025ની પહેલેથી પૂર્ણ થઈ ગયેલી
પસંદગી પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોઈ શરત વિના પૂર્વવર્તી અસરથી લાગુ
કરવામાં આવે તો આ જ પરીક્ષા ચક્રના ઉમેદવારો વચ્ચે અસમાનતાની સ્થિતિ ઊભી થઈ શકે છે.