• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

વ્યૂહાત્મક સંતુલનની દિશામાં

પ્રવાહી રાજદ્વારી સમીકરણો અને ભૂ-રાજકીય પરિસ્થિતિ તથા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં તરંગી તરકટો વચ્ચે ભારત એકસાથે બે મહત્ત્વપૂર્ણ રાજદ્વારી મિશન પર કામ કરી રહ્યું છે. વિદેશપ્રધાન એસ. જયશંકર રશિયામાં છે, તો નેશનલ સિક્યુરિટી ઍડવાઈઝર અજિત ડોભાલ ચીનમાં હતા. ચીન સાથે ઘર્ષણ ઓછું કરવાની વિદેશનીતિના ભાગરૂપે આ બન્ને પ્રવાસો યોજાઈ રહ્યા છે. રશિયા સાથેના જૂના સંબંધોને બદલાતી પરિસ્થિતિઓમાં વધુ દૃઢ કરવાનો પ્રયાસ પણ છે. વળી, વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ પણ હાલ ટૉકિયોની મુલાકાત દરમિયાન જાપાનના અગ્રણી આર્થિક તથા રોકાણ સંસ્થાઓના વડાઓને મળ્યા. તો નાણાપ્રધાન નિર્મલા સીતારામન આજથી નવ દિવસની અમેરિકા અને કૅનેડા યાત્રા પર છે, તેમના એજેન્ડા પર આર્થિક સહકાર અને સંબંધો વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દા છે.

અજિત ડોભાલ ચીન સાથે સીમા વિવાદ મુદ્દે થનારી વાતચીતમાં ભાગ લેવાના છે અને આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. અૉક્ટોબર, 2024માં રશિયાના કઝાનમાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનાપિંગ વચ્ચે થયેલી મુલાકાતને પગલે બન્ને દેશો વચ્ચેના તણાવને ઓછો કરવાની શરૂઆત થઈ હતી અને એ પછી સંવાદ જળવાઈ રહ્યો હોવા છતાં બધું સમુંસૂતરું છે એવું કહી શકાય એમ નથી. એમ તો ગયા વર્ષે પણ એસસીઓ સમિટમાં વડા પ્રધાન મોદી તિયાનજિન ગયા હતા અને એ વખતે પણ જિનાપિંગ સાથે તેમની મુલાકાત થઈ હતી. સપ્ટેમ્બરમાં ભારતમાં બ્રિક્સ સમિટ યોજાવાની છે અને તેમાં જિનાપિંગ આવે એવી શક્યતા છે, આવામાં બન્ને દેશો વચ્ચે સંબંધોને નવું બળ મળી શકે છે. વળી, અમેરિકાએ જે રીતે ઈરાન સાથે વેપાર સંબંધો ધરાવતા દેશો સામે બાંયો ચડાવી છે, એ જોતાં તથા રશિયન ક્રૂડ ખરીદી મુદ્દે ટ્રમ્પના વલણને પગલે નવી દિલ્હીએ મૉસ્કો સાથે વ્યાપાર અને ઈંધણ તથા વૈશ્વિક મુદ્દે સહકારની આવશ્યકતા છે. ભારત અન્ય આઠ-નવ રાષ્ટ્રો સાથે મુક્ત વ્યાપાર કરાર માટે વાટાઘાટો ચલાવી રહ્યું છે અને પીયૂષ ગોયલને એની જવાબદારી સોંપાઈ છે. તો, છેલ્લા થોડા સમયથી વિદેશી મૂડી ખેંચી લાવવા માટે કેન્દ્ર સરકારે ચલાવેલી ઝુંબેશના ભાગરૂપે નિર્મલા સીતારામન બે દેશના પ્રવાસે છે.

અમેરિકાના ટેરિફ વૉર, ઈરાનમાં ઉકેલનો અભાવ અને પાડોશી રાષ્ટ્રો સાથેના સંબંધો જેવા વૈવિધ્યસભર પડકારોને ધ્યાનમાં રાખતા નવી દિલ્હીએ રાજદ્વારી પ્રયાસોને વેગ આપ્યો છે. હાલની જટિલ વૈશ્વિક પરિસ્થિતિઓ તથા ઈંધણ કટોકટીની ઝળૂંબતી તલવાર જોતાં ભારતે સંતુલિત નીતિ તથા વૈકલ્પિક વ્યવસ્થા પર ભાર આપવાની દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે, જેનાં ફળ આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક