• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

દિનુશાએ અણનમ 85 રન કરી ભારતનો ફોલોઓનનો ઈંતઝાર લંબાવ્યો ફોલોઓનથી બચવા શ્રીલંકા હજુ 39 રન દૂર અને 2 વિકેટ બાકી

કોલંબો ટેસ્ટના ત્રીજા દિવસના અંતે શ્રીલંકાના 8/265: કૃષ્ણા અને માનવની 3-3 વિકેટ

કોલંબો તા. 2પ:  લોઅર મીડલ ઓર્ડર બેટર સોનલ દિનુશા 137 દડામાં 6 ચોક્કા અને 2 છક્કાથી 8પ રનની અણનમ ઈનિંગ રમીને ભારત સામેના બીજા ટેસ્ટમાં શ્રીલંકાને ફોલોઓનથી બચાવવા ટકકર આપી રહ્યો છે. વરસાદને લીધે ત્રીજા દિવસની રમત વહેલી સમાપ્ત થઇ ત્યારે શ્રીલંકાના 83.4 ઓવરમાં 8 વિકેટે 26પ રન થયા હતા. ફોલોઓનથી બચવા શ્રીલંકાને હજુ 39 રનની જરૂર છે. તો બીજી તરફ શ્રીલંકાને ફોલોઓનની ફરજ પાડવા માટે ભારતને બે વિકેટની જરૂર છે.

મેચના આજે ત્રીજા દિવસે શ્રીલંકાએ 173 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી અને ફોલોઓન તોળાઇ રહ્યો હતો. ત્યારે સોનલ દિનુશાએ આઠમી વિકેટમાં કેશરા નુવંતા સાથે મળીને 137 દડામાં પ7 રનની ભાગીદારી કરી ભારતીય બોલરોને હંફાવ્યા હતા. નુવંતાએ 74 દડામાં 18 રન કર્યાં હતા. આ પછી દિનુશા અને લાહિરૂ કુમારા વચ્ચે નવમી વિકેટમાં 92 દડામાં 3પ રનની અતૂટ ભાગીદારી થઇ હતી. આથી ટીમ ઈન્ડિયાનો શ્રીલંકાને ફોલોઓન કરવાનો ઈંતઝાર વધ્યો હતો.

આ પહેલા પસિંદા સૂર્યાબંદારાએ 133 દડામાં 9 ચોક્કાથી 80 રનની ઈનિંગ રમી હતી. તે પહેલા ટેસ્ટમાં કનકશન સબસ્ટીટયૂટ ખેલાડી તરીકે સામેલ થયો હતો અને ડેબ્યૂ ઇનિંગમાં જ ગોલ્ડન ડક થયો હતો. જો કે બીજા ટેસ્ટમાં તે શ્રીલંકા તરફથી 80 રનની મહત્વની ઈનિંગ રમવાનમાં સફળ રહ્યો હતો. તે જાડેજાના દડામાં બોલ્ડ થયો હતો. જયારે કામિન્ડુ મેન્ડિસે 32 રન કર્યાં હતા.

ભારત તરફથી પ્રસિધ્ધ કૃષ્ણા અને માનવ સુથારને 3-3 વિકેટ મળી હતી. જયારે સિરાજ-જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. પદાર્પણ મેચમાં સ્પિનર સારાંશ જૈન હજુ સુધી વિકેટ વિહોણો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક