• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

દાનની રકમનો એક-એક પૈસો મંદિરની તિજોરીમાં પહોંચવો જોઈએ : સુપ્રીમ

બાંકે બિહારી મંદિરમાં ચઢાવાની રકમની તફડંચી સામે સર્વોચ્ચ અદાલત આકરાં પાણીએ

નવીદિલ્હી, તા.2પ : વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા ચઢાવા-દાનની કથિત હેરાફેરી અને નાણાંની ગેરરીતિના આરોપો અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતો એક-એક રૂપિયો કાં તો મંદિરની દાનપેટીમાં પહોંચવો જોઈએ અથવા અૉનલાઇન માધ્યમથી સીધો મંદિરની તિજોરીમાં જમા થવો જોઈએ. દાનની રકમને કોઈપણ રીતે અન્યત્ર વાળવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

દેશનાં મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઇ) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી તથા ન્યાયમૂર્તિ વી. મોહનની બેન્ચ સમક્ષ મંદિરનાં કામકાજની દેખરેખ રાખતી ઉચ્ચાધિકાર સમિતિનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કોર્ટને જણાવ્યું હતું કે આ મામલે અત્યંત ગંભીર સ્થિતિ સામે આવી છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેમણે કોર્ટ સમક્ષ તસવીરો અને એક વીડિયો પણ રજૂ કર્યા હતા. સિંહે જણાવ્યું કે વીડિયોમાં ત્રણ લોકો પરંપરાગત દાનપેટીની સામે ઊભેલા દેખાય છે. તેઓ શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા લઈને પોતાની પોલિથીનની થેલીઓમાં મૂકતા જોવા મળે છે.

આ મામલે કડક વલણ અપનાવતા બેન્ચે કહ્યું કે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે દાનની દરેક રકમ દાનપેટી અથવા અૉનલાઇન માધ્યમથી મંદિરની તિજોરી સુધી પહોંચવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે સેવાદારો અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો કરવામાં આવે તો તેને અત્યંત ગંભીરતાથી લેવામાં આવશે. કોર્ટે મંદિર વ્યવસ્થાપન સમિતિને મંદિરની તિજોરી વ્યવસ્થામાં પારદર્શક પ્રણાલી લાગુ કરવાનો પણ નિર્દેશ આપ્યો.

 

ઇ-પેપરના નવા શુલ્ક