સાત
વર્ષના અંતરાલ અને ભારત-ચીન વચ્ચે વધેલા થોડાં અંતર બાદ હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગ
સપ્ટેમ્બર માસમાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે. પડોશી બન્ને મોટા
દેશના વર્તમાન અને ભાવિ માટે આ મુલાકાત નિર્ણાયક, પથદર્શક સાબિત થવાની છે. માત્ર ભારતમાં
નહીં જગતના ચોરે આ મુલાકાતની ચર્ચા છે. જો જિનપીંગ આવશે તો આગળની પરસ્પર રણનીતિ શું
રહેશે તેના ઉપર નજર છે. 2019માં તેઓ ભારત આવ્યા પછી 2020માં ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષને
લીધે બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ રહી હતી. તે પછી વિશ્વસ્તરે અનેક ફેરફાર થયા,
ઓપરેશન સિંદૂર સમયે પણ ચીનનું વલણ ભારતે અને દુનિયાએ જોયું હતું.
ઓક્ટોબર
2024માં બન્ને દેશ વચ્ચે સરહદે શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્યથી સૈન્ય ખસેડવાનો કરાર થયો
હતો. જો કે માત્ર સૈન્ય ખસેડવું પૂરતું નથી ભવિષ્યમાં પણ આવી સ્થિતિ સર્જાય નહીં તેવી
શાશ્વત રાજકીય અને સમજૂતી અને સૈન્યની વ્યવસ્થા ગોઠવવાનું અનિવાર્ય છે. ચીન ઉપર આવી
બાબતે અગાઉ ભારતે મૂકેલા ભરોસા બહુ ફળ્યા નથી એટલે આપણે છાશ પણ ફૂંકીને પીવી પડે તેમ
છે જો કે આશાવાદ આવકાર્ય છે. સૈન્ય કાર્યવાહી જ બે દેશ વચ્ચેના સંબંધોનો એક માત્ર માપદંડ
નથી. ભારતે તાજેતરમાં ચીનથી આવતા રોકાણો માટેના નિયમ હળવા કર્યા છે. ચીન સાથેના વેપારમાં
ભારત ખાધનો સામનો કરી રહ્યો છે. આ તમામ મુદ્દા પણ છે.
અમેરિકાની
વેપારનીતિ, વારંવાર લગાવવામાં આવતો ટેરિફથી લઈને ભારતીયો માટેનું તેનું વલણ પણ અગત્યનું
છે. ચીન માટે પણ અમેરિકાનો અભિગમ ચર્ચાસ્પદ રહ્યો છે. ભારત અને ચીનને પુન: એક મંચ પર
લાવવામાં અમેરિકા તે રીતે નિમિત્ત બન્યું છે.
બ્રિક્સ
માટે જિનપીંગ આવી રહ્યા છે, બાહ્ય આર્થિક દબાણો માટે આ જૂથને મજબૂત રાખવું હવે બન્ને
દેશ માટે અગ્રતા બની ગઈ છે. 400 અધિકારીઓના કાફલા સાથે તેઓ આવશે તેનો અર્થ એ કે આ વ્યાપક
ચર્ચા હશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ચીનની મુલાકાતે છે, તેમણે સપ્ટેમ્બરની
આ મુલાકાતનું બીજ રોપી દીધું છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પણ આ સંમેલનમાં
આવવાના છે, વૈશ્વિક મહાસત્તાઓની ઉપસ્થિતિ અનેક સમીકરણ બદલાવશે. વેપાર અને સેના ઉપરાંત
કૈલાસ માનસરોવર યાત્રાની પુન: શરૂઆત, સીધી વિમાની સેવાથી સંબંધોમાં સુધાર આવી શકે.
ચીન અને ભારતના સંબંધો સુધરશે? સરહદી વિવાદનો ઉકેલ આવશે? ચીનના રોકાણ ફરીથી ભારતમાં
વધે તો સ્થાનિક ઉદ્યોગો ઉપર તેની અસર શું પડશે? વેપાર ક્ષેત્રના વૈશ્વિક યુદ્ધ વચ્ચે
ભારત અને ચીનના આ સમીકરણ અમેરિકા સાથેના સંબંધોને પણ કેવી અસર કરશે? તેવા અનેક સવાલો
જિનપીંગની આ મુલાકાત- ભારત આગમન પૂર્વે થઈ રહ્યા છે. ચીનની અવગણના એક પણ રીતે કોઈને
પાલવે તેમ નથી અને તેમાં પણ ભારતની ભૌગોલિક સ્થિતિ, બાંગ્લાદેશ- પાકિસ્તાન જેવા પાડોશીઓ,
નેપાળનું પણ છેલ્લા સમયમાં બદલાયેલું વલણ એ બધી સ્થિતિ ગંભીર છે ત્યારે હવે બ્રિક્સ
ચીન-ભારત સંબંધોની દીવાલમાં નવી ઈંટ મૂકશે તેવી આશા સેવાઈ રહી છે.