• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ઈરાને 45 જહાજ કર્યા બ્લેકલિસ્ટ

હોર્મુઝમાં કથિત રીતે ઈરાની નિયમો તોડવાનો આરોપ : બે ભારતીય જહાજ પણ સામેલ

 

તેહરાન, તા. 26 : હોર્મુઝ જળમાર્ગના ઉલ્લંઘન બદલ ઈરાને કુલ 45 જહાજને બ્લેકલિસ્ટ કર્યા છે. જેમાં બે ભારતીય જહાજ પણ સામેલ છે. આ જહાજો ઉપર હોર્મુઝ જળમાર્ગથી પસાર થવા માટે ઈરાને નક્કી કરેલી શરતોનું કથિત રીતે ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ભારત સ્થિત કંપનીના સ્વામિત્વ અને સંચાલનના બે જહાજ ઈરાનના ફારસની ખાડી જળમાર્ગ પ્રાધિકરણ (પીજીસીએ) દ્વારા જાહેર 45 પ્રતિબંધિત જહાજની યાદીમાં સામેલ છે.

પ્રતિબંધ કરવામાં આવેલા જહાજોમાંથી ઘણા સંયુક્ત અરબ અમિરાત સ્થિત સંસ્થાઓ, વિશેષ રૂપથી અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (એડીએનઓસી) સમૂહ સાથે જોડાયેલા છે. ભારત ઉપરાંત સાઉદી અરબ, કતર, ગ્રીસ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને નોર્વે જેવા દેશોના જહાજ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાની ધ્વજ ધરાવતું એક ક્રૂડ ટેન્કર પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

ઈરાનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ભવિષ્યમાં યાદીમાં સામેલ જહાજોને હોર્મુઝ જળમાર્ગથી પસાર થતા રોકવામાં આવી શકે છે. વધુમાં દંડ અને માલ જપ્તી જેવી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. પીજીસીએએ રવિવારે મોડી રાત્રે એક પોસ્ટ મારફતે જહાજો ઉપર કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપી હતી.

પીજીસીએએ કહ્યું હતું કે, જો વધુ જહાજો નિયમ તોડશે તો તેને પણ યાદીમાં સામેલ કરવામાં આવશે જ્યારે જે જહાજ યાદીમાંથી નામ હટાવવા માગે છે તે પોતાના અનુરોધને સ્પષ્ટીકરણે સાથે મોકલી શકશે. ભારતના જે બે જહાજ ઉપર પ્રતિબંધ મુકાયો છે તેમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું દિશા જહાજ અને ભારતીય ધ્વજનું મહા રૂસ સામેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક