• સોમવાર, 27 મે, 2024

દુર્ઘટનાઓનું કમિશનખોરીથી કનેક્શન

બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગા નદી પર બની રહેલો ફોર લેન પુલનો એક હિસ્સો તૂટી પડવાની ઘટના ચોંકાવનારી તો છે જ. આમાં રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશકુમાર સરકારની છબી પર પણ ગંભીર સવાલ થાય છે. સવાલ એ માટે થાય છે કે ગયા વર્ષે એપ્રિલમાં નિર્માણાધીન પુલનો એક હિસ્સો ભારે પવનથી તૂટી ગયો હતો જ્યારે આ વેળા બીજા છેડાનો હિસ્સો તૂટી પડયો છે. કુલ 3.717 કિલોમીટર લાંબો આ પુલ - જેનો ખર્ચ 1710 કરોડ રૂપિયા છે. તેનો શિલાન્યાસ 2014માં મુખ્ય પ્રધાન નીતિશકુમારે કર્યો હતો અને બીજા વર્ષથી તેનું નિર્માણ શરૂ થયું હતું, પરંતુ એપ્રિલ 2022માં આનો એક ભાગ તૂટી પડયા પછી આ પુલને લઈ સવાલ ઊઠવા લાગ્યા હતા ત્યારે આક્ષેપ થયા હતા કે ઉતરતી કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાં સુધી કે પુલના થાંભલાઓમાં તિરાડો પડયાનું પણ જણાયું હતું.

બનાવ પછી ઉતાવળે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે એવો પાંગળો બચાવ કર્યો કે, સરકાર દ્વારા જ પુલનો એક ભાગ તોડાવી નાખવામાં આવ્યો છે, આ ખુલાસો બિલકુલ વિશ્વસનીય નથી. એવી જ રીતે મુખ્ય પ્રધાન નીતિશકુમારે પણ પુલ બરાબર ન બની રહેતાં તેને વારંવાર તોડી પાડવામાં આવ્યો હતો એવો બચાવ ગળે ઉતરે તેવો નથી.  ગયા વર્ષે પુલનો એક ભાગ તૂટી પડયા પછી તેનું નિર્માણ ચાલુ રાખવામાં આવ્યું એટલું જ નહીં, જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની પણ કોઈ જાણ નથી. શું રાજ્ય સરકાર કોઈને બચાવી રહી છે? વારંવાર પુલના ભાગ તૂટી પડવાની અને છેલ્લે આખો પુલ તૂટી પડવાની ઘટનાને લઈ, પુલ પૂર્ણ કરવામાં સમય તો લાગશે, તેનો ખર્ચ પણ વધી જશે. બિહાર સરકારે દોષીઓ વિરુદ્ધ વિનાવિલંબે પગલાં ભરવાં જોઈએ.

આશ્ચર્યની વાત એ છે કે, નવું સંસદ ભવન અઢી વર્ષમાં તૈયાર થઈ ગયું, જ્યારે જે પુલને નીતિશ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ બતાવાય છે એ નવ વર્ષમાં પણ તૈયાર નથી થઈ શક્યો! જો પુલની આ સ્થિતિ હોય તો અન્ય યોજનાઓની શું સ્થિતિ હશે તે કલ્પી શકાય છે. બિહારમાં આ અગાઉ પણ અનેક નિર્માણાધીન પુલ તૂટી પડયા છે. આનો અર્થ એ થયો કે, નિર્માણ યોજનાઓમાં ભ્રષ્ટાચારનો પગપેસારો નહીં, પગદંડો છે. આવી દુર્ઘટનાઓથી કોઈ સબક નથી લેવામાં આવતો. મોટી સમસ્યા એ છે કે પુલ કે બીજા નિર્માણ માટેના બજેટનો મોટો હિસ્સો કમિશનખોરીમાં જતો હોય છે. આની સીધી અસર ગુણવત્તા પર પડે છે. નિર્માણ કાર્યોની ગુણવત્તા પર દેખરેખ રાખવાની એક પારદર્શી નીતિ બનાવવાની સાથે તેનો અમલ પણ આવશ્યક છે. કમિશનખોરીના કારણે બાંધકામ ખોખરાં હોય છે અને તૂટી પડે છે. બિહારનો પુલ તૂટયો પણ જાનહાનિ થઈ નથી - જ્યારે ઓડિશાની દુર્ઘટનામાં ભારે ખુવારી થઈ છે - એવી સરખામણી અને બચાવ બાલિશ છે - કારણ કે પુલ હજુ બંધાઈ રહ્યો હતો તેથી જાનહાનિનો પ્રશ્ન નથી. અન્ય વિપક્ષી નેતાઓ તો નીતિશનું રાજીનામું - ભ્રષ્ટાચાર બદલ પણ માગવા તૈયાર નથી! ભ્રષ્ટાચાર વિપક્ષી રાજકારણમાં સ્વીકાર્ય છે!

ઇ-પેપરના નવા શુલ્ક