નવી દિલ્હી, તા.17: ઈરાન યુદ્ધનાં આજે 18માં દિવસે ઇઝરાયેલી સુરક્ષા દળ (આઈડીએફ)એ મોટો દાવો કર્યો છે. તેનાં કહેવા મુજબ ગઈ રાત્રે ઈરાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રમુખ, એટલે કે દેશના સર્વોચ્ચ સુરક્ષા અધિકારી અલી લારીજાનીને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે હજી સુધી સ્પષ્ટ થયું નથી કે આ હુમલામાં લારીજાનીનું મોત થયું છે કે પછી ઘાયલ થયા છે. ઉપરાંત, ઇઝરાયેલી સેનાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે રાત્રીના હુમલામાં ઈરાની સેનાની બાસિજ ફોર્સના ટોચના કમાન્ડર ઘોલામરેઝા સોલેમાનીનો પણ ખાત્મો કરી નાખ્યો છે.
ઇઝરાયલના
રક્ષા પ્રધાન ઇઝરાઇલ કાર્ટ્ઝે તો આથી પણ આગળ જઈને દાવો કર્યો છે કે આઈડીએફના હુમલામાં
લારીજાનીનું મોત થયું છે. ઇઝરાયલના આ દાવાથી ઈરાનમાં ખળભળાટ મચી ગયો છે. જોકે ઈરાન
તરફથી હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આઈડીએફનું કહેવું
છે કે સોલેમાનીની કથિત હત્યા ઈરાનના કમાન્ડ અને કંટ્રોલ માટે મોટો આંચકો છે. તાજેતરમાં
અલી ખામેની અને ઈરાનના અન્ય મોટા નેતાઓના મોત પછી અલી લારીજાનીને સૌથી શક્તિશાળી વ્યક્તિ
માનવામાં આવી રહ્યા હતા અને આ યુદ્ધમાં ઈરાનનું
નેતૃત્વ કરી રહ્યા હતા. લારીજાનીને છેલ્લે 13 માર્ચે કુદ્સ ડે દરમિયાન જોવામાં આવ્યા
હતા. લારીજાની પહેલા પરમાણુ વાર્તાકાર પણ રહી
ચૂક્યા છે અને અને હાલમાં ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ તરીકે કાર્યરત છે.