• બુધવાર, 18 માર્ચ, 2026

મોરબી સિરામિક ઉદ્યોગમાં 25 દિવસનું શટડાઉન : શ્રમિકો બેરોજગાર નહીં થાય

-શ્રમિકોને ફેક્ટરીઓમાં જાળવીને વૈકલ્પિક કામગીરી સોંપી દેવાતા રાહત

મોરબી,તા.17: (ફૂલછાબ ન્યૂઝ) યુધ્ધને લીધે ઉદ્યોગોને મળતા ગેસ પુરવઠામાં સરકારે પચ્ચાસ ટકા કાપ મૂકી દીધો છે. ઉપરાંત ભાવ અંગે પણ ભારે અનિશ્ચિતતા સર્જાતા મોરબી સિરામિક ઉદ્યોગે 25 દિવસનું શટડાઉન જાહેર કર્યું છે. જોકે સિરામિક ઉદ્યોગમાં એકપણ શ્રમિકને છૂટ્ટા કરવામાં આવ્યા નથી. શટડાઉન દરમિયાન શ્રમિકો ફેક્ટરીમાં મેઇન્ટેનન્સનું કાર્ય કરશે.

સિરામિક એસોસીએશન દ્વારા કેટલાક દિવસોથી ગેસના પુરવઠા-ભાવને લઇને શટડાઉનની ચર્ચા કરવામાં આવી રહી હતી. સંગઠને હવે સર્વાનુમતે તમામ 800 જેટલા કારખાનાઓમાં 20થી 25 દિવસનું શટડાઉન જાહેર કર્યું છે. શટડાઉન થાય એટલે શ્રમિકોની રોજગારી સરકી જાય પણ ઉદ્યોગ દ્વારા શ્રમિકોને વૈકલ્પિક કામકાજ આપીને જાળવી રાખવામાં આવ્યા છે તેમ સંગઠનના પ્રમુખ મનોજ એરવાડિયાએ કહ્યું હતુ. તેમણે કહ્યું કે, બેરોજગારીની ચર્ચા વધી છે પણ એવી સ્થિતિ નથી. ઉદ્યોગમાં 200-500 શ્રમિકોની અવરજવર ચાલુ રહેતી હોય છે એને બાદ કરીએ તો કોઇ બેરોજગાર બનશે નહી.

તેમણે કહ્યું કે, ફેક્ટરીમાં ઉત્પાદન બંધ હશે પણ મશીનરી અને પ્લાન્ટના મેન્ટેનન્સનું કામ ચાલવાનું હોવાથી શ્રમિકોની જરૂરિયાત રહેશે જ. ફેક્ટરીના સુપરવાઈઝર, ઈન્ચાર્જ અને ઓફિસ સ્ટાફને તેમનું નિયમિત વેતન ચાલુ જ રહેશે. જ્યારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા શ્રમિકોને મેન્ટેનન્સમાં જોડી દેવાયા છે અથવા જે અન્ય પ્લાન્ટ હજુ ચાલુ છે ત્યાં શિફ્ટ કરીને તેમની રોજીરોટી છીનવાય નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોરબી જેવડા વિશાળ ઔદ્યોગિક વિસ્તારમાં રોજના 200 થી 500 મજૂરોની સામાન્ય આવનજાવન થતી જ હોય છે, જેને પલાયન માની લેવું ખોટું છે.

મોરબી અને આસપાસના વિસ્તારોમાં 430 જેટલી કંપનીઓ બંધ થઈ ચૂકી છે. જે કંપનીઓના ગુજરાત ગેસ સાથેના 80 ટકા એમજીઓ કરાર પૂરા થતા જશે, તેમ તે 10 થી 15 એપ્રિલ સુધીમાં વારાફરતી બંધ થતી જશે. વૈશ્વિક સ્તરે યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોપેન અને નેચરલ ગેસના ભાવ ઊંચા અને અસ્થિર છે, જેના કારણે ઉત્પાદન મોંઘુ પડી રહ્યું છે.

કોરોના કાળ બાદ પ્રથમ વખત  સંગઠન સ્તરે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 20-25 દિવસ બાદ ગેસનો સપ્લાય અને ભાવ સ્થિર થાય ત્યારબાદ નવું કોસ્ટિગ કાઢીને, નવા ભાવ સાથે ઉદ્યોગો ફરી ધમધમતા થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક