• શુક્રવાર, 13 માર્ચ, 2026

સંવેદના અને કાનૂન વચ્ચેનો દ્વંદ્વ

દિલ્હીમાં વસતા 32 વર્ષીય યુવાન હરીશ રાણાને ઈચ્છા મૃત્યુ આપવાની વાલીઓના પ્રસ્તાવનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધો અને એક વિસ્તૃત ચર્ચા દેશમાં શરૂ થઈ છે. સર્વોચ્ચ અદાલતે બુધવારે કહ્યું કે, હરીશની જે સારવાર ચાલી રહી છે તે તબીબી માર્ગદર્શન અને પ્રકિયા અનુસાર ક્રમશ: ઘટાડવામાં આવે અને તેને ગરિમાપૂર્ણ મૃત્યુ આપવામાં આવે. ભારતમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે જ્યારે દર્દીને આ રીતે મૃત્યુ માટે કાનૂને પરવાનગી આપી હોય. સ્વાભાવિક રીતે ઈચ્છા મૃત્યુની વાત આવે એટલે સંવેદના, શાત્રો અને વિજ્ઞાન તમામ ક્ષેત્ર તરફથી દલીલ થાય જ પરંતુ આખું વૃત્તાંત જાણ્યા પછી એવું લાગે કે, હરીશ રાણા અનેક યાતના, પીડામાંથી મુક્ત થશે.

2013માં હોસ્ટેલના ચોથા માળેથી ગબડી પડયા બાદ હરીશ સંપૂર્ણ લકવાગ્રસ્ત છે, કોમામાં છે. કોઈ જ અનુભૂતિ તેમને થતી નથી અને બોલી શકતા પણ નથી. ડોક્ટરોએ તેમને ક્વાડ્રિપ્લેજિયા બીમારીથી પીડાતા હોવાનું જાહેર કર્યું છે. વેન્ટીલેટરના સહયોગ વગર તે જીવી ન શકે અને નળી વગર ખોરાક લઈ ન શકે. તેમના સાજા થવાની કોઈ સંભાવના નથી. દિવસે દિવસે વધતી પીડાના પરિણામે તેના માતા-પિતાએ સ્વેચ્છા મૃત્યુ-યુથેનેશિયાની માગણી કરી હતી. પિતા અશોક રાણાએ ત્યાં સુધી કહ્યું કે, સગા દીકરાને આ રીતે મૃત્યુના શરણે સોંપતા અમારો જીવ પણ ચાલે નહીં પરંતુ 13 વર્ષથી તેની પીડા અમે જોઈ શકતા નથી.  અહીં એક્ટીવ નહીં પરંતુ પેસીવ એટલે કે પરોક્ષ અથવા તો નિક્રિય ઈચ્છા મૃત્યુનો માર્ગ અપનાવાયો છે. ડોક્ટર પોતે દર્દીને મૃત્યુ માટે દવા કે ઈન્જેક્શન આપે તે એક્ટીવ યુથેનેશિયા કહેવાય પરંતુ અહીં બીમાર વ્યક્તિને જીવન ટકાવવા જે પણ સહાય અથવા સારવાર અપાતી હોય તે ધીમે ધીમે બંધ કરી દેવામાં આવે જેથી દર્દી પ્રાકૃતિક રીતે મૃત્યુ પામે. હરીશ રાણા માટે આ રીત અપનાવવામાં આવશે.

ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા માટે બે બાબતો અત્યંત મહત્ત્વની છે એક તો તે ચિકિત્સા ઉપચારની શ્રેણીમાં સમાવિષ્ટ હોય અને બીજું દર્દીના પૂર્ણ હિતમાં હોય. 2005માં કોમન કોઝ નામની સ્વૈચ્છિક સંસ્થાએ યુથેનેશિયા-નિક્રિય ઈચ્છા મૃત્યુના અધિકારની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને 9 માર્ચ 2018ના દિવસે તત્કાલીન સીજેઆઈ દિપક મિશ્રાના વડપણ હેઠળની 5 જજની બેંચે આ ઈચ્છા મૃત્યુને કાનૂની માન્યતા આપી હતી. બેંચે કહ્યું હતું કે, કોઈપણ દર્દી અસાધ્ય રોગથી પીડાતો હોય, ફક્ત લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર જીવિત હોય તો પ્રાકૃતિક રીતે તેની સારવાર બંધ કરી શકાય અને તેને ઈચ્છા મૃત્યુ નહીં પરંતુ સન્માન સાથે મૃત્યુનો અધિકાર ગણવામાં આવશે.

2018માં પેસિવ યુથેનેશિયાને માન્યતા આપતી વખતે સુપ્રીમ કોર્ટે બે નિયમ બનાવ્યા છે. તે મુજબ દર્દીએ સભાન અવસ્થામાં સ્વસ્થ હોય ત્યારે પોતાનું લીવીંગ વીલ બનાવેલું હોવું જોઈએ જેમાં સ્પષ્ટ હોય કે જો પોતે અસાધ્ય રોગથી પીડાય તો તેને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવે. જ્યારે આવું વીલ ન હોય ત્યારે પરિવારજનોની મંજૂરી આવશ્યક છે. હરીશને તો હવે એઈમ્સમાં લઈ જવાશે અને તબીબી માર્ગદર્શનમાં તેનું મૃત્યુ સરળ બનાવાશે. વિજ્ઞાન માણસને આ રીતે મૃત્યુ પામવાની ‘સવલત’ આપે સંવેદના આવું કરવાની ના પાડે. જો કે, દર્દી અને તેના સગા આ સ્થિતિને વધારે સમજી શકે.

અમેરીકા સહિતના દેશોમાં આ પ્રકારે મૃત્યુ ગેરકાનૂની છે. ભારતે પણ સક્રિય ઈચ્છા મૃત્યુને માન્યતા આપી જ નથી. રશિયા, પાકિસ્તાનમાં પણ મંજૂરી નથી. પ્રાચીન સમયમાં આવા દૃષ્ટાંત જોવા મળતા. આધુનિક વિજ્ઞાન ઉત્તમ સારવાર આપી શકે છે તેમ છતાં મૃત્યુ ઉપર હજી તેનો વિજય થયો નથી એક યા બીજી રીતે મૃત્યુ સામે વિજ્ઞાને ઝુકવું પડે છે.

ઇ-પેપરના નવા શુલ્ક