સનાતન ધર્મનું એક અત્યંત અગત્યનું સ્થાન, એમ કહીએ કે કેન્દ્ર કહી શકાય તેવા ગિરનારની ગરિમા ઉપર છેલ્લા કેટલાક સમયથી સતત પ્રહાર થયા કરે છે. સનાતન ધર્મની રખેવાળી કરતા હોવાનો દાવો કરતા સંગઠનો, લોકોની નજર સામે આ બધું થતું હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. લાખો લોકોની શ્રદ્ધા જ્યાં છે તેવા ગિરનારનું પાવિત્ર્ય કંઈ માનવીય દુપ્રવૃત્તિઓથી ખંડિત ન થાય તે સાચી વાત છે પરંતુ આખરે તો તે પલાયનવાદ કે છટકબારી જ છે. ઉતરતી પ્રવૃત્તિઓની અસર ન થાય તેનો અર્થ એમ નહીં કે ગિરનાર અથવા કોઈ પણ ધર્મક્ષેત્રમાં તે થવા દેવાય.
બે
દિવસ પહેલાંની ઘટના છે, સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગિરનાર પર્વત
ઉપર શક્તિસ્થાનક અંબાજી મંદિર પરિસરમાં કોઈ વ્યક્તિ શરાબ પીતો હતો, અહેવાલ એવા છે કે
ત્યાં માંસાહાર પણ થયો હતો. સમસ્ત હિન્દુ ધર્મના લોકો માટે આ અત્યંત શરમજનક, આંચકાજનક
ઘટના હતી. સ્વાભાવિક રીતે જ તેનો વિરોધ થયો. જો કે અન્ય કોઈ ઘટનાઓમાં કોઈ સંગઠન, કોઇ
પરિષદ કે કોઈ દળ રસ્તા ઉપર ઉતરી આવે તેવું બન્યું નથી. લોકોને એવી આશા છે કે પોલીસ
આ અંગે કોઈ કાર્યવાહી કરશે. આમ તો ગિરનાર વિકાસ સમિતિથી લઈને આપણી ધાર્મિક સંસ્થાઓની
પણ અહીં ભૂમિકા આવે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ક્ષેત્રમાં બની રહેલા બનાવ કંઈ થશે
કે નહીં તેની શંકા કરવા પ્રેરિત કરે છે.
અંબાજી
મંદિર આસપાસ દારુ પીવાનો કિસ્સો ચરમસીમા છે. મહાશિવરાત્રિના દિવસે કિર્તી પટેલ નામના
મહિલાએ સાધુઓની સાથે મૃગિકૂંડમાં સ્નાન કર્યું તે ઘટના સામાન્ય નહોતી. ન તો પોલીસ તેમાં
કઈ કરી શકી કે ન સનાતન ધર્મના હિતેચ્છુ કંઈ કરી શક્યા. કિર્તીબહેને પછી તો આક્ષેપો
કર્યા અને આખરે સમાધાન થઈ ગયું. મૃગીકૂંડમાં તો સામાન્ય દિવસોમાં પણ સામાન્ય લોકો જઈ
શકતા હોતા નથી પરંતુ મહાશિવરાત્રીની ઘટના પછી જાણે કંઈ બન્યું જ નથી એવું વાતાવરણ થયું.
થોડા સમય પૂર્વે ગિરનાર ક્ષેત્રના બે સાધુઓ વચ્ચે કેટલાક મુદ્દે આક્ષેપ યુદ્ધ ચાલ્યું
હતું. દરરોજ માધ્યમો, સોશિયલ મીડિયા ઉપર તેની ચર્ચા હતી, ક્યારેક કોઈ ધાર્મિક વારસો,
ગાદીનો પ્રશ્ન હોય. આવું બનતું રહે છે. આ તો યુગો જૂની પરંપરા છે. સનાતન ધર્મનું મહાન
ક્ષેત્ર ગિરનાર છે. ઊર્જાનું થાણુ છે. સનાનત ધર્મની વિવિધ શાખાઓ ગિરનાર નામના વડ સાથે
જોડાયેલી છે. આ ક્ષેત્રની પવિત્રતા કોઈ પણ સમધાન વગર જળવાવી જ જોઈએ.