• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ

પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ જરદારી-ભુત્તોએ એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કબૂલ્યું છે કે, તેમનો દેશ અત્યારે ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયેલો છે. પાકિસ્તાન માત્ર રાજનીતિક ધ્રુવીકરણના દોરમાં હોવાની સાથે જ સુરક્ષા અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. પાકિસ્તાન ખરેખર ભારે સંકટમાં છે. એકબાજુ સરકારી તોષાખાનામાંની ભેટોને વ્યક્તિગત હિત માટે વેચવાના આરોપસર ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડને લઈ રાજનૈતિક અરાજક્તાની સ્થિતિ છે, તો બીજી તરફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) પાકિસ્તાનને લોન આપતાં અચકાઈ રહ્યું છે. 

આ ઉપરાંત, અફઘાનિસ્તાનને અડીને આવેલી સીમા પર તેણે તાલિબાન તરફથી બદલાની કાર્યવાહીનો મુકાબલો પણ કરવો પડી રહ્યો છે. સેના અને સરકાર વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ બહાર આવી રહ્યો છે. આવામાં પાકિસ્તાનને લોન આપવાના પ્રકરણમાં આઈએમએફનું સાવધાન થવું ઉચિત જ છે. ઈમરાન ખાનની ધરપકડ કરવા ગયેલી પોલીસ અને રેન્જર્સને કોર્ટના હુકમના પગલે ખાલી હાથે પાછા ફરવું પડયું છે. આવામાં આવતી કાલે શું થશે તેનો અંદાજ લગાડવો મુશ્કેલ નથી. હાલ તો ઈમરાન ખાન પોતાની હત્યા થઈ શકે એવો અંદેશો વ્યક્ત કરી પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકોને શેરીઓમાં ઉતરવાનું આહ્વાન કરી રહ્યા છે.

પાકિસ્તાન પાસે પરમાણુ શત્ર છે, એ જગજાહેર વાત છે; વળી, દિનપ્રતિદિન બગડતી જતી સ્થિતિ આખી દુનિયા, ખાસ કરીને ભારતીય ઉપખંડ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. બિલાવલ ભુત્તો જ્યારે ખુદ સુરક્ષા પડકારો વધ્યાની વાત કરી રહ્યા છે, તો પાકિસ્તાની અણુ શત્રોની સુરક્ષાને લઈ વિશ્વને ચિંતા થવી વ્યાજબી છે.

થોડાં વર્ષો પહેલાં ટ્રમ્પ સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપી રહ્યું છે. અમેરિકન સુરક્ષા નિષ્ણાત સ્ટીફન ટેન્કલે તો ત્યાં સુધી કહ્યું હતું કે, પાકિસ્તાનનાં અણુશત્રો આતંકવાદીઓના હાથમાં જવાનો ભય છે. સરહદી વિસ્તારોમાં તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનની જે રીતે પકડ છે અને હાલમાં જે પ્રકારના હુમલા આ સંગઠને કર્યા છે, તેનાથી ટેન્કલની આશંકાઓને પુષ્ટિ થાય છે. આ પરિસ્થિતિમાં તમામ પડોશી દેશોએ પોતાની સુરક્ષા-વ્યવસ્થા પર નવેસરથી ધ્યાન આપવાનું રહેશે.

કોઈપણ સમસ્યાના ઉકેલની પ્રથમ શરત એ હોય છે કે, સૌથી પહેલા તેનો સ્વીકાર કરવામાં આવે. એ પછી જ તેના વાસ્તવિક ઉકેલનો આરંભ થતો હોય છે. પાકિસ્તાની સત્તાધીશો ખરેખર આત્મચિંતન કરવા તૈયાર નથી, તેઓ ફક્ત કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓની તરફેણ કરવામાં જ વ્યસ્ત છે. તેઓ ઈમાનદારીથી આ કબૂલ કરતા આગળ વધે અને પડોશી દેશોને વિશ્વાસમાં લે તો આ બાબત તેમની સાથે સમગ્ર દક્ષિણ એશિયાના હિતમાં હશે.

પાકિસ્તાને હવે સ્વીકારવું જોઈએ કે તેની આર્થિક સંપન્નતા, રાજકીય સ્થિરતા અને સરહદી સુરક્ષા કુટિલ છદ્મ યુદ્ધોથી પોષિત ન થઈ શકે. ભયંકર મોંઘવારી અને મુશ્કેલીઓથી પાકિસ્તાનીઓની મુક્તિ ચીન અને સાઉદી અરબની ઉપરછલ્લી મદદથી સંભવ નથી. પાકિસ્તાને પગભર થવું પડશે અને આના માટે પોતાની ઘરેલુ રાજનીતિ અને વિદેશનીતિને નક્કર વૈશ્વિક હકીકતોની જમીન પર રાખી પગલાં લેવાનાં રહેશે. જોકે, પાકિસ્તાન પાસેથી આવી આશા રાખવી વધુપડતી છે.