• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

વધતો કોરોના : તંત્રની સજજતા, લોકોની સતર્કતા જ ઉપાય

રવિવારે માર્ચ માસની 19મી તારીખ છે. બરાબર ત્રણ વર્ષ પહેલાં ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેઈસ રાજકોટમાં નોંધાયો હતો. સામાન્ય લોકો તો ઠીક ડોક્ટરોને પણ હજી ખબર નહોતી કે આ શું છે. લોકડાઉન તો પછી આવ્યું પહેલાં તો જનતા કફર્યૂ લાગ્યો હતો. સ્વયંભૂ બંધ. જાત જાતના ઉપદેશો છૂટયા હતા. આ બદલાવ જરૂરી છે, પરિવાર સાથે રહેવા મળે છે એવી સૂફિયાણી વાતો શરૂ થઈ હતી. વેપાર-ધંધા બંધ થયા ત્યારે વાસ્તવિકતા સમજાઈ. કોરોનાની પહેલી લહેર કરતાં પણ માર્ચ-એપ્રિલ 2021માં શરૂ થયેલો બીજો તબક્કો ગોઝારો હતો. એ દિવસો યાદ આવે તો કાળઝાળ ગરમીમાં પણ લખલખું પસાર થઈ જાય છે. 

શાંત પડી ગયેલો કોરોના ફરી સળવળ્યો છે. ગુજરાતમાં કેઈસ વધી રહ્યા છે. 155 દિવસના અંતરાલ બાદ 100થી વધારે કેઈસ થયા છે. સૌરાષ્ટ્રમાં પણ ફરી કોરોનાનો ડરામણો પગરવ સંભળાયો છે. સતત પ્રાર્થના એ થઈ રહી છે કે જે થયું હતું તેનું પુનરાવર્તન ન થાય. હવે કોરોનાની લહેર ન આવે તો સારું. છેલ્લા એકાદ માસથી ઈન્ફ્લુએન્ઝાના કિસ્સા પણ વધ્યા છે અને તેય ગંભીર છે. ત્રણ વર્ષથી જાણે જનસામાન્યના સ્વાસ્થ્ય પર વૈશ્વિક સ્તરે ખતરો મંડરાયો છે. કોરોના મહામારીએ માનવજીવન જ નહીં, સમાજજીવન પર ગંભીર અસરો પાડી હતી. અર્થતંત્ર ખોડંગાઈ ગયું હતું. હવે કળ વળી રહી છે અને બધું પુર્વવત્ થયું ત્યાં ફરી કોરોનાના કેઈસ દેખાવા શરૂ થયા છે.

હજી સુધી કોઈ તબીબી સંસ્થાન-સંગઠને કોરોના સંદર્ભે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. તકેદારીની કોઈ સૂચના આપવાની થશે તો તે અગાઉ જેવી જ હશે. માસ્ક, સેનિટાઈઝેશન, ત્વરિત ચકાસણી ઈત્યાદિ. આ વખતે જે વાઈરસ છે તે કેટલો જોખમી છે તે પણ જાણવું જરૂરી છે. રસીકરણ, હર્ડ ઈમ્યૂનિટીને લીધે કોરોના હળવો થઈ ગયો હોવાની સ્થિતિ વચ્ચે હતી. અત્યારે જે સંક્રમણ છે તેની ગંભીરતા અને તીવ્રતા કેટલી તે હજી નક્કી નથી. ઈન્ફ્લુએન્ઝા પણ આ વખતે ઘાતક છે. આશા અને ઈચ્છા સૌની એ જ છે કે 2020, 2021માં થયું તે આ વર્ષે ન થાય. લોકડાઉન, સંક્રમણ, દવાના દિવસો પાછા ન આવે. સંખ્યા વધી રહી છે ગંભીરતા ન વધે તે જરૂરી છે. ફરી એકવાર સ્વયંશિસ્ત, સામાજિક-શારીરિક અંતર રાખવા સહિતની બાબતોનું પાલન કરવું રહ્યું.

હવે કંઈ નથી તેવું માનીને સરકારી તંત્ર પણ ગફલતમાં રહે નહીં. જો કે આરોગ્યમંત્રીએ તૈયારીની સત્તાવાર વિગતો જાહેર કરી જ છે. કોરોના કે ફ્લૂ વધે તે ઈચ્છનીય નથી જ. તંત્રની સજજતા અને આપણી સતર્કતા તે એકમાત્ર ઉપાય છે.