સામાન્ય
વ્યક્તિ પણ સરળતાથી ખરીદી શકે એટલે ચાંદી ગરીબોનું સોનું ગણાતી આવી છે. લગ્નપ્રસંગોમાં
ચાંદી એ કારણે છૂટથી ખરીદવામાં આવતી. 2025થી સંજોગ બદલાયાં છે. સોના કરતા ચાંદી ઘણી
મોંઘી થઇ ચૂકી છે. હવે ચાંદીમાં હાથ નાંખવામાં દાઝી જવાય એવી પરિસ્થિતિ છે. 2025માં
આશરે 150 ટકા ઉછળેલી ચાંદી 30 ટકા 2026માં વધી છે. સોનું ફક્ત 78 ટકા વધી શક્યું છે.
ચાંદી એ રીતે દળદાર વળતર આપનારી સાબિત થઇ છે. સોનાનો ભાવ ભારતીય બજારમાં 1 લાખ 52 હજાર
રૂપિયા 10 ગ્રામનો થઇ ગયો છે. ચાંદીનો ભાવ 3 લાખ પ્રતિ કિલોને પાર થઇ ગયો છે. અકલ્પનીય
તેજીએ સૌને ચોંકાવી દીધાં છે. ભૂતકાળમાં પાંચ દસ વર્ષે પણ ન થતી એટલી વધઘટ એક દિવસમાં
થઇ જાય છે. તેજી ડેન્જર ઝોનમાં છે. ચાંદીમાં વધેલી ઔદ્યોગિક માગ, સિલ્વર ઇટીએફની એકધારી
ખરીદી, અમેરિકામાં ઘટતા જતા વ્યાજદરની નીતિ, ચીન અને અમેરિકા દ્વારા થતું ચાંદીનું
કોર્નરીંગ, અમેરિકા દ્વારા ચાંદીને આવશ્યક ધાતુની યાદીમાં મૂકવા ઉપરાંત વિશ્વભરમાં
ડહોળાયેલા ભૂરાજાકિય વાતાવરણે ચાંદીની આગમાં તેલ રેડયું છે. માગના અનેક કારણ વચ્ચે
ઉત્પાદક દેશોમાંથી પુરવઠો તંગ થઇ જવાને લીધે ચાંદીની તેજીની ગાડી બ્રેક વિનાની થઇ ચૂકી
છે. શેરબજારો તૂટતા જાય છે. ડોલર સામે રૂપિયો ઢીલોઢફ્ફ થઇ ચૂક્યો છે. કોઇ એસેટ ક્લાસમાં
વળતર નથી ગળતર છે. જોકે સૌને ચાંદીમાં ચાંદી દેખાય છે. તેજીના કારણ એક નહીં અનેક છે,
અત્યારની પરિસ્થિતિ ન ભૂતો ન ભવિષ્યતિ છે. અલબત્ત અત્યારે મુશ્કેલી નાના વર્ગની વધી
ગઇ છે. લગ્ન કે કોઇપણ માંગલિક પ્રસંગોએ રૂપું એટલે કે ચાંદીના ઝવેરાત ખરીદવામાં આવતા
હોય છે. ચાંદી હવે ખરીદી શકાય તેમ છે જ નહીં. રોજ નવો ભાવ અકળાવી રહ્યો છે. ચાંદીના
ઝવેરાત બનાવવાનું કામકાજ રાજકોટમાં પરંપરાગત થતું આવ્યું છે. કામ અત્યારે સંપુર્ણ બંધ
જેવું છે. એકાદ લાખ કારીગર બેકાર છે. ભારતમાં આ સ્થિતિ બધે જ છે. તેજી માત્ર સમાચાર
બની ગઇ છે. એમાં હાથ નાંખવાથી મૂડીનું નુક્સાન જ છે. અનેક બુલિયન ડિલરો-ટ્રેડરોએ મૂડી
ધોઇ નાંખી છે. આશ્ચર્ય એ છેકે એક કે દોઢ લાખમાં ચાંદી ખરીદી ગયેલો વર્ગ હજુ વેચવા રાજી
નથી ! બધાને તેજીમાં તેજી દેખાય છે. એક લાખે ચાંદીની તેજી અટકશે, બે લાખે અટકશે, અઢી
લાખે તો અટકી જ જશે. એ અવધારણાઓ ખોટી પડી છે અને ચાંદી સવા ત્રણ લાખને વળોટી ગઇ છે.
હવે ચાંદી પડી જાય એની બધાને રાહ છે.