20
જાન્યુઆરી, 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકાના પ્રમુખ તરીકેનો બીજો કાર્યકાળ શરૂ
થયો અને એક વર્ષમાં તેમની નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઘેલછા કોઈનાથી છૂપી નથી. એક
તરફ, વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખને તેમની ધરતી પરથી ઊંચકી અમેરિકા લઈ આવવાનું પગલું
ભર્યા બાદ ગ્રીનલૅન્ડને યેનકેન પ્રકારેણ સેરવી લેવા થનગની રહ્યા છે. તો બીજી તરફ, ગાઝાની
મદદ કરવા માટેના બોર્ડ અૉફ પીસની રચના કરી છે અને ભારત ઉપરાંત 60 અન્ય દેશોને તેમાં
જોડાવા આમંત્રણ આપ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની
બેઠકમાં ગાઝા માટેની શાંતિ યોજના વિશેના ઠરાવ પર ચીન અને રશિયા સિવાય બધા જ દેશોની
સહમતી હતી. ભારત પહેલેથી જ આ ઈઝરાયલ-ગાઝા મુદ્દે દ્વિ-રાષ્ટ્ર ઉકેલનું સમર્થક રહ્યું
છે. આવામાં, ટ્રમ્પે ભારતને આપેલું આમંત્રણ પશ્ચિમ એશિયામાં ભારતના વજન અને વર્ચસની
મહત્તા દર્શાવે છે. જોકે, ટ્રમ્પના વડપણ હેઠળના આ બોર્ડમાં જોડાતા પહેલાં ભારતે પોતાનાં
વિકલ્પો, સિદ્ધાંતો અને હિતોનું ધ્યાન રાખવાનું રહેશે, કેમ કે ટ્રમ્પની નીતિઓ વિસંગત
અને અસ્થિર રહી છે. એક તરફ, યુનાઈટેડ નેશન્સ સંબંધિત ત્રણ અને કુલ 66 વૈશ્વિક સંસ્થાઓમાંથી
અમેરિકાએ હાથ ખેંચી લીધો છે અને બીજી બાજુ, ગાઝા શાંતિ માટેના મંડળની સ્થાપના કરી રહ્યા
છે.
ટ્રમ્પે
ગાઝા પીસ બોર્ડનો પ્રસ્તાવ અમેરિકાના પ્રેસિડન્ટની રુએ મૂક્યો છે, આથી આ મંડળમાં તેમનો
શબ્દ અંતિમ રહેશે એવું જણાય છે. વળી, આ બોર્ડના આશયની ભાષા અસ્પષ્ટ છે અને ટ્રમ્પ ક્યારે
કઈ બાબતમાં ઊંબાડિયું કરશે, એ કહી શકાય એમ નથી. ત્રણ વર્ષ માટે આ બોર્ડમાં સભ્યપદ મેળવવા
એક બિલિયન ડૉલર જેવી રકમ ફી તરીકે ભરવાની છે. ધારો કે, ગ્રીનલૅન્ડ મુદ્દે યુરોપ સાથે
અમેરિકાનું ફટક્યું તો? અને ઇરાનમાં હસ્તક્ષેપ કરી ખોમૈનીની સત્તા ઊથલાવવાનો નિર્ણય
વાશિંગ્ટન લે તો? ગાઝામાં શાંતિ એક કોરાણે રહી જશે. વળી, શાંતિ પ્રક્રિયામાં વાટાઘાટો,
સહમતી અને ધીરજની જરૂર હોય છે. ટ્રમ્પની લાખ દુ:ખોં કી એક દવા-ટેરિફ અને ધમકી-ચીમકીની
ભાષાનો અભિગમ આ જરૂરિયાતથી તદ્દન વિપરીત છે. આથી, ભારત માટે આગળ જતાં તંગ દોર પર ચાલવા
જેવી સ્થિતિ સર્જાવાની છે. ટેરિફની લટકતી તલવારની અનિશ્ચિતતાને કારણે ભારતે પોતાનાં
હિતોને રક્ષવા માટે ધીરજ અને ચપળતા બન્ને રાખવી પડશે. પશ્ચિમ એશિયામાં મહત્ત્વના સાબિત
થઈ શકે એવા મંડળમાં ભારતની હાજરી હોય એ જરૂરી છે એ સાથે જ રાષ્ટ્ર હિતને આકાર આપતાં
સિદ્ધાંતો અને સ્વાયત્તતા સાથે પણ બાંધછોડ નહીં કરવાનો અભિગમ જાળવી રાખી સંતુલન સાધવાનું
રહેશે. ટ્રમ્પની પ્રેસિડન્સીનાં ત્રણ વર્ષ હજી બાકી છે, પણ એ સાથે જ ચાલુ વર્ષે નવેમ્બર
મહિનામાં મધ્યસત્ર ચૂંટણીઓમાં તેમની આણ પણ ઘરઆંગણે કસોટીની એરણ પર હશે. આવામાં, નવી
દિલ્હી માટે વાશિંગ્ટનની નજીક રહેવાની વ્યૂહરચના જ કારગત નીવડશે એવું જણાય છે.