• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

સૌરાષ્ટ્રમાં રાજકીય સળવળાટ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની કરુણ ઘટના પછી કોંગ્રેસ પક્ષ થોડો સક્રિય થયો હોય તેવું માધ્યમો પર મહેસૂસ થઈ રહ્યું છે. જો કે ભાજપ માટે કોંગ્રેસની સક્રિયતા હજી પણ મોટો પડકાર નથી. હા, જે સ્થિતિ સૌરાષ્ટ્રમાં ભાજપની અંદર સર્જાઈ રહેલી દેખાય છે તે પક્ષના મોવડીઓ માટે વિચારણીય છે. નેતૃત્વના ધ્યાને આ વાત ન હોય તેવું તો બને નહીં.

લોકસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાંથી રાષ્ટ્રના અન્ય ભાગોમાં વ્યાપેલું ક્ષત્રિય આંદોલન, કેટલાક અન્ય સમાજની નારાજગી વગેરે બાબતો હતી તેની વચ્ચે પણ ભાજપે સૌરાષ્ટ્રની તમામ બેઠકો તો જાળવી રાખી. રાજકોટ સહિત જ્યાં જ્યાં ડર હતો તે જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર બેઠક પર કમળ ખીલી તો ગયાં પરંતુ અત્યારે સ્થિતિ અગાઉના વર્ષો જેવી નથી. ચૂંટણી પૂર્વે અમરેલી, માણાવદર વિશે થયેલાં નિવેદનોથી વિવાદ સર્જાયા હતા.

શનિવારે જવાહર ચાવડાએ કરેલાં નિવેદનથી ફરી વિવાદ થયો છે, તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વક્તવ્યને પડકારતાં કહ્યું કે મારી ઓળખને ભાજપે પોતાની ઓળખ બનાવી દીધી. જવાહરભાઈ પણ કોંગ્રેસી કૂળ છોડીને ભાજપમાં ભળ્યા હતા. ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ પછી પણ આવું બધું ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવાર પોતાની ક્ષમતા અને નરેન્દ્રભાઈ મોદીના નામે ચૂંટાયા છે. અલબત્ત, રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા વિકાસકામોની નોંધ પણ પ્રજાએ લીધી છે.

કોંગ્રેસમાંથી કાર્યકર્તા, નેતાઓને ભાજપમાં પ્રવેશ અને પદ એક મહત્વનો મુદ્દો છે. કાર્યકર્તાઓને એકસૂત્રતાથી બાંધી શકે તેવા સર્વસામાન્ય નેતાની પણ સૌરાષ્ટ્રમાં અત્યારે ખોટ છે.

રાજકીય પક્ષની આંતરિક બાબતો સાથે પ્રજાને કોઈ નિસબત નથી. ભાજપે વિચાર તો એ કરવાનો છે કે દેશના અન્ય ભાગમાં ભાજપને નુકસાન થયું પરંતુ સૌરાષ્ટ્રમાં તેની શાખ, પ્રજાનો ભાજપમાં વિશ્વાસ અકબંધ છે. સૌરાષ્ટ્રની સાત અને કચ્છની એક બેઠક પર લોકોએ પુન: ભાજપને તક આપી છે. પ્રજાનો આ ભરોસો સાંસદો અને ધારાસભ્યોએ સાર્થક કરવો હશે તો વિવાદોથી ઉપર ઉઠવું પડશે. ભાજપનું પ્રાંતીય નેતૃત્વ સૌરાષ્ટ્રની સ્થિતિ પર ધ્યાન આપે તેવી આવશ્યકતા પાયાના કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી સારી રીતે જીતી શકાઈ, વિધાનસભામાં તો ભાજપનું સંખ્યાબળ 2022માં 156 હતું તે વધીને આજે 160ને આંબી ગયું છે. પરંતુ નજીકના ભવિષ્યમાં જિલ્લા-તાલુકા પંચાયતોની, નગર પાલિકાઓની ચૂંટણી બારણે ટકોરા દઈ રહી છે. તે પહેલાં મતભેદ મીટાવી ગઢનું સમારકામ કરવું પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક