મ્યુઝિયમને તેનાં ઇન્ટિરિયર્સ
માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરાયું : મુખ્યમંત્રી
પટેલે પાઠવ્યાં અભિનંદન
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.3 : ગુજરાતની વૈશ્વિક
ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભુજનાં સ્મૃતિવન મ્યુઝિયમને તેનાં
ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત
કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને
એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જીસીડીએમએના સીઇઓઁ
અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની
સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઞગઊજઈઘ ખાતે
પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતાં આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ
વર્સેઇલ્સ એવોર્ડ અંતર્ગત ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024નાં વર્ષની
શરૂઆતમાં વિશ્વનાં 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું હતું. હવે, વૈશ્વિક
મંચ પર સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરીને પ્રિક્સ વર્સેલ્સ
2024 વર્લ્ડ ટાઇટલ મેળવીને સ્મૃતિવન મ્યુઝિયમે આ અંતિમ એવોર્ડ - સન્માન ગૌરવ પ્રાપ્ત
કર્યું છે.
આ પ્રિક્સ વર્સેલ્સ એ વૈશ્વિક
આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે એનાયત
કરવામાં આવે છે. મ્યુઝિયમ, એરપોર્ટ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન, રમતગમત સુવિધાઓ, એમ્પોરિયમ,
હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો તેમાં સમાવેશ થાય છે.
ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001ના ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને ધમરોળી નાખ્યું
હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોનાં સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ
વડાપ્રધાનની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.
સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક
ભુજિયા ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને
શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમની
અનન્ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકૃત થયો છે, આ ગુજરાત અને ભારત
બન્નેનું વૈશ્વિક સ્તરે સન્માન છે. વડાપ્રધાનનાં વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિવન
ભુજના ભુજિયા ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં, વિશ્વનાં સૌથી વિશાળ
મિયાવાકી જંગલમાં 3 લાખ વૃક્ષ છે. ઉપરાંત ભૂકંપમાં મૃત્યુ પામેલે લોકોને શ્રદ્ધાંજલિરૂપે
કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી, અહીં નિર્માણ થયેલા 50 ચેકડેમની દીવાલો લગાવવામાં
આવી છે.
આ ઉપરાંત સન પોઇન્ટ, 8 કિમી લંબાઈના
ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર
મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવિનીકરણ, 3 લાખ વૃક્ષોનું
વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત
મ્યુઝિયમનો સમાવેશ થાય છે. કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક
સ્થળ તરીકે આકર્ષણ બન્યું છે.