• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

ચીન સરહદે સ્થિતિ સામાન્ય : જયશંકર

હજુ અમુક વિસ્તારમાં વિવાદ; ચીન સાથે વાતચીત જારી, આપણી સેના સચેત

નવી દિલ્હી, તા. 3 : સરહદી વિવાદનાં સમાધાન માટે વાજબી અને પરસ્પર સ્વીકાર્ય માળખાં પર પહોંચવા માટે ભારત ચીન સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ છે, એમ વિદેશપ્રધાન એસ. જયશંકરે આજે જણાવ્યું હતું. જયશંકરે એમ પણ કહ્યું કે, પૂર્વી લદ્દાખમાં બંને સેના પાછળ હટી ચૂકી છે. જો કે, એલએસી પર હજુ પણ અમુક વિસ્તારમાં વિવાદ છે. ભારત એવાં સમાધાનના પક્ષમાં છે જે બંને દેશને મંજૂર હોય.

ભારત-ચીન સરહદ વિવાદ અંગે લોકસભામાં નિવેદન આપતાં મંત્રીએ કહ્યું કે, 2020 બાદથી ભારત-ચીન સંબંધો સામાન્ય નથી. ચીનની કાર્યવાહીને કારણે સરહદી વિસ્તારોમાં શાંતિ ખોરવાઈ ગઈ હતી, ત્યારથી બંને દેશના સંબંધ સામાન્ય નહોતા. જો કે, તાજેતરમાં થયેલી વાતચીતથી સ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે.

એપ્રિલ-મે 2020માં પૂર્વી લદ્દાખમાં ચીન દ્વારા સૈનિકોના એકત્રીકરણનાં કારણે બંને દેશની સેના સંખ્યાબંધ ચોકીઓ પર સામસામે આવી હતી. ગલવાન ખીણની અથડામણો પછી ભારત એવી સ્થિતિનો સામનો કરતું હતું, જેમાં માત્ર જાનહાનિ જ નહીં, પરંતુ ભારે શત્રોની તૈનાતીની જરૂર હોય તેવી ઘટનાઓ પણ બની, એમ જયશંકરે કહ્યું હતું.

અમે સરહદી સમાધાન માટે વાજબી અને પરસ્પર સ્વીકાર્ય માળખાં પર પહોંચવા માટે ચીન સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ છીએ... સરકારે જાળવી રાખ્યું છે કે, સરહદી  વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિની સ્થાપના વિના ભારત-ચીન સંબંધો સામાન્ય ન હોઈ શકે, એવું સરકારનું મક્કમ વલણ જળવાયું છે, એમ જયશંકરે કહ્યું હતું.

વિદેશમંત્રીએ ભારતીય સેનાની પ્રશંસા કરતાં કહ્યું કે, કોવિડ મહામારી અને અન્ય પડકારો છતાં આપણી સેનાએ ચીની સૈનિકોનો બહાદૂરીથી સામનો કર્યો હતો.

જયશંકરે કહ્યું કે, હાલની વ્યૂહાત્મક વાતચીતથી ભારત-ચીન સંબંધોમાં સુધારાનો માર્ગ તૈયાર થયો છે. આવનાર દિવસોમાં અમે સરહદી ક્ષેત્રોમાં તંગદિલી ઘટાડવા અને ગતિવિધિઓના અસરકારક વ્યવસ્થાપન પર ચર્ચા કરીશું. સૈનિકોની વાપસીના ચરણ પૂરાં થયા પછી હવે અને દ્વિપક્ષીય સંબંધોના અન્ય બિંદુઓ પર ધ્યાન કેન્દ્રીત કરી શકીશું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક