• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સૌથી સુરક્ષિત

ચાલુ વર્ષે 18થી 20 લાખ પક્ષીઓ નોંધાયાં : મોર, નિલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાબર, ચિંકારા સહિત 21 પ્રજાતિની અંદાજે 9.53 લાખથી વધુ વસ્તી

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.3 : ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ - યાયાવર પક્ષીઓ માટે વધુ સુરક્ષિત બન્યું છે. વન્યજીવ વસ્તી અંદાજ - ગણતરી મુજબ વર્ષ 2023માં રાજ્યમાં મોર, નિલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાબર, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિની અંદાજિત 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે.

જ્યારે ચાલુ વર્ષે 2024માં રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં અંદાજે 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે, એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. વર્ષ 2010માં થોળ પક્ષી અભયારણ્યમાં 31,380 પક્ષીનું આગમન થયું હતું જે વર્ષ 2024માં વધીને 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે જ્યારે નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ 2010માં 1.31 લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ 2024માં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લાં 14 વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે 355 અને 276 ટકાનો વધારો નોંધાયો છે. જેનાં પરિણામે ગુજરાત પક્ષી જીવન માટે સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.

વસ્તી અંદાજ- ગણતરી 2023 મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર 2.85 લાખથી વધુ, નીલગાય 2.24 લાખથી વધુ, વાંદરા 2 લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત 9,170 કાળિયાર, 8,221 સાબર, 6,208 ચિંકારા, 2,299, શિયાળ 2,274 દીપડા 2,272, લોંકડી 2,143, ગીધ 1,484, વણિયર એક હજારથી વધુ ચોશિંગા આ સિવાય નાર/ વરૂ, રીંછ અને ભેંકર સહિત કુલ 9.53 લાખથી વધુ પ્રાણીઓ નોંધાયાં છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લી વર્ષ 2020ની ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ, વર્ષ 2024માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ 680 જેટલી ડોલ્ફિન તેમજ 7,672 જેટલા ઘૂડખરની વસ્તી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.

અહીં નોંધવું ઘટે કે, કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડિંગ સેન્ટર તૈયાર કરવા મંજૂરી મળી છે. આ બ્રિડિંગ સેન્ટર સંબંધિત વિવિધ પાસાઓના અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા ગુજરાતના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝિટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં  બ્રિડિંગ સેન્ટર ખાતે બ્રિડિંગ માટે રાખવામાં આવેલા વન્યપ્રાણીઓ તેમજ નવા જન્મેલાં વન્યપ્રાણીઓ બ્રિડિંગ માટે જરૂરિયાત મુજબનાં વન્યપ્રાણીઓ રાખી અન્ય બ્રિડિંગ સેન્ટર તેમજ જંગલ વિસ્તારમાં સરપ્લસ વન્યપ્રાણીઓ મુક્ત કરવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક