• બુધવાર, 04 ડિસેમ્બર, 2024

જૂનાગઢ બ્રહ્મલીન મહંતના રૂમમાં પક્ષકારો, સંતોની હાજરીમાં ચીજ-વસ્તુઓની ગણતરી

ગાદીના વિવાદ વચ્ચે વહીવટી તંત્ર સક્રિય : આજે અંબાજી મંદિરે માતાજીના આભૂષણો સહિતની તપાસ કરી યાદી બનાવાશે

(ફૂલછાબ ન્યુઝ)

જૂનાગઢ, તા.3 : ગિરનાર શક્તિ પીઠ અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરીના ભીડભંજન ખાતે સીલ કરાયેલા રૂમની પક્ષકારો, સાધુ-સંતોની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસણી ગણતરી હાથ ધરાય હતી અને તેની યાદી બનાવવાઇ રહી છે. આવતી કાલે અંબાજી ખાતે આ રીતે માતાજીના આભૂષણો સહિતની તપાસ અને યાદી તૈયાર કરાશે તેમ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદીનો વિવાદ ઉદ્ભવ્યો હતો. ભવનાથ મંદિરના મહંત હરિગીરી દ્વારા એકાએક પ્રેમગીરીની ચાદર વિધિ કરાતા. બ્રહ્મલીન મહંતના પરિવારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ભૂતનાથના મહંતે મહેશગીરીએ ભવનાથના મહંત સામે અખાડાનો પત્ર જાહેર કરી વિવાદને પરાકાષ્ઠાએ પહોંચાડયો હતો. આ વિવાદ વચ્ચે રાજ્ય સરકારે  અંબાજી, ભીડભંજન અને દત્તશિખર સરકાર હસ્તક લઇ વહીવટદારની નિમણૂક કરી હતી અને બ્રહ્મલીન મહંતના રૂમને સીલ કર્યો હતો. આ રૂમમાં અંબાજી મંદિર, ભીડભંજન અને દત્ત શિખરના વીલ કે દસ્તાવેજો હોવાની આશંકા હતી આ રૂમને આજે સવારે જિલ્લા વહીવટી તંત્રએ પક્ષકારો, સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ખોલી તેમા રહેલી દરેક ચીજ વસ્તુઓની તપાસણી કરી યાદી બનાવવામાં આવી રહી છે. તેમ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલએ જણાવ્યું હતું.

આ બાબતો ગોપનીય હોય તેથી અત્યારે જાહેર કરી શકાશે નહી. બ્રહ્મલીન મહંતનો સીલ કરેલા રૂમ જિલ્લા તંત્ર દ્વારા ખોલવામાં આવતા મહંત હરિગીરીજી, મહંત ઇન્દ્રભારતીય, મહેન્દ્રનંદજી, સહિતના વરિષ્ઠ સંતો જોડાયા હતા. આવતી કાલ તા.4ના ગિરનાર અંબાજી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રમાણે માતાજીના આભૂષણો સહિતની તપાસ કરી યાદી બનાવાશે. વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરતા બ્રહ્મલીન મહંતના રૂમમાંથી શું નીકળ્યું તે અંગે ઉત્કંઠ પ્રસરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક