• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

સંભલ હિંસામાં પાકિસ્તાની કારતૂસનો ઉપયોગ !

તપાસ ટીમને સ્થળ પરથી 9 એમએમ, 12 બોર, 32 બોરના કારતૂસના ખોખા મળ્યા

સંભલ, તા.3 : ઉત્તરપ્રદેશના સંભલમાં તાજેતરમાં મસ્જિદના સર્વે મુદ્દે ભભૂકેલી હિંસામાં પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. તપાસ એજન્સીઓને હિંસાનાં સ્થળેથી પાકિસ્તાનની ફેક્ટરીમાં બનેલા કારતૂસ અને તેના ખાલી ખોખા મળી આવ્યાનો ખુલાસો પોલીસે કર્યો છે. સ્થળ પરથી 9 એમએમ, 1ર બોર, 3ર બોરના કારતૂસનાં ખોખા મળ્યા છે.

સંભલ હિંસાની તપાસ માટે ફોરેન્સિક ટીમ અને લોકલ ઇન્ટેલિજન્સ યુનિટ સ્થળ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રો અનુસાર હિંસાનાં સ્થળે પાકિસ્તાનની શત્ર ફેક્ટરીમાં બનેલા 9 એમએમના બે કારતૂસ મળ્યાં છે. જેમાંથી એક કારતૂસ મિસફાયર થયો છે. બીજાનું ખાલી ખોખું મળ્યું છે. હિંસા સ્થળે એએસપી શ્રીશચંદ્ર અને સીઓ અનુજ ચૌધરી સાથે ફોરેન્સિક અને એલઆઇયુ ટીમ સઘન તપાસ કરી રહી છે. સ્થળ પરથી મળેલા પુરાવાનું વિશ્લેષણ કરાઈ રહ્યું છે. અન્ય એક દાવા મુજબ સંભલમાં હિંસાનાં સ્થળેથી એક પછી એક કુલ પાંચ પાક.મેઇડ કારતૂસના ખોખા મળ્યા છે. તપાસ ટીમે કોટ ગર્વી મોહલ્લામાં હિંસા સ્થળ પાસે 4 કલાક જેટલો સમય રહીને જરૂરી પુરાવા મેળવ્યા છે.

જે કારતૂસ મળ્યા છે તેનો ઉપયોગ સામાન્ય રીતે પાકિસ્તાનની આર્મી કરે છે. આમ, હિંસામાં તેના ઉપયોગથી આ બનાવની તપાસ અન્ય દિશામાં વળી છે. ર4 નવેમ્બરે સંભલમાં ફાટી નીકળેલી હિંસામાં 4 લોકોના મૃત્યુ થયાં હતાં અને ર0 પોલીસકર્મી ઘવાયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક