• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

કપાસમાં સતત ત્રીજા વર્ષે મંદીથી કિસાનો મુશ્કેલીમાં

દિવાળીએ રૂ. 1580માં વેચાતા કપાસના રૂ. 1470 થઇ ગયા: ટેકા કરતા પણ નીચાં ભાવને લીધે નુક્સાની

રાજકોટ, તા.21(ફૂલછાબ ન્યૂઝ) : કપાસમાં બે વર્ષથી ચાલી રહેલી મંદી ત્રીજા વર્ષે પણ દોહરાતા કિસાનોની માઠી દશા થઇ છે. દિવાળી પછી મંદી હળવે હળવે આગળ એ ચાલથી આગળ ધપી છેકે જોતજોતામાં ભાવ ટેકા કરતા નીચે ઉતરી ગયાં છે. દિવાળીએ રૂ. 1580 સુધી વેચાતો કપાસ અત્યારે રૂ. 1460માં વેચાય છે. કપાસનું વાવેતર 15 ટકા જેટલું ઓછું કરવા છતાં ખેડૂતો દુ:ખી છે. કોટન કોર્પોરેશનની હાજરી બજારમાં છે પણ ખેડૂતો યાર્ડમાં વેંચી રહ્યા છે.

ગુજરાતમાં કપાસનું વાવેતર પાછલા વર્ષથી 15 ટકા જેવું ઘટીને 20.98 લાખ હેક્ટરમાં થયું હતું. એ પછી સતત ભારે વરસાદ અને માવઠાંને લીધે પાકને સતત નુક્સાની પહોંચી છે. પરિણામે ખેડૂતોને ઉતારામાં મોટો ફટકો પડયો છે. ઉત્પાદન પણ પાછલી સીઝનની 85 લાખ ગાંસડી સામે 70 લાખ ગાંસડી બંધાશે તેવું અનુમાન છે. છતાં કપાસનો ભાવ મણે રૂ. 1100-1460 સુધી જ ખેડૂતોને મળી રહ્યો છે. દિવાળી વખતે કપાસનો ભાવ રૂ. 1300-1580 સુધી બોલાતો હતો.

જિનર્સો કહે છે, ઉત્પાદન ઓછું છે. ખેડૂતોને નુક્સાની વ્યાપક ગઇ છે. કપાસનો ભાવ ખૂબ ઘટી ગયો છે. જોકે તેની પાછળ વૈશ્વિક વાયદાઓની મંદી ઉપરાંત નબળી માગ જવાબદાર છે. ચાલુ વર્ષે ચીન સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા બ્રાઝીલના ભાવ નીચાં છે. વિશ્વ બજારમાં આ દેશોમાંથી રૂનો સપ્લાય વધી ગયો છે એટલે ભારતમાંથી નિકાસ સાવ તળિયે ગઇ છે. બે માસમાં 4 લાખ ગાંસડી જેટલી નિકાસ થઇ છે. જોકે તેની સામે સસ્તાં રૂની ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી આશરે 20 લાખ ગાંસડીની આયાત માટે સોદા પડી ગયા છે. આશરે આઠથી નવ લાખ ગાંસડીની આયાત ભારતમાં અત્યાર સુધીમાં થઇ ચૂકી છે. આયાતને લીધે પણ ભાવ પર દબાણ છે.

કપાસની આવક દિવાળી સમયે હતી તેટલી બેથી સવા બે લાખ મણ વચ્ચો રોજ થઇ રહી છે. મંદીને લીધે કિસાનો ફટાફટ કપાસ વેચી રહ્યા છે. સુધારાના ચિહ્નો પણ મળતા નહીં હોવાથી કિસાનોમાં ભારે નિરાશા છે.

સંકર ગાંસડીના ભાવ પણ વૈશ્વિક મંદીની અસરે દિવાળી વખતે રૂ. 55100 હતા તે તૂટીને રૂ. 53100-53500 સુધી આવી ગયા છે. જે મહિના પૂર્વે રૂ. 54600 સુધી હતા.

કપાસિયા અને ખોળમાં આવેલી મંદીમાં રિકવરી પણ સારી એવી આવી ચૂકી છે. કપાસિયાના ભાવ રૂ. 640-665 ચાલે છે જ્યારે કપાસિયા ખોળમાં રૂ. 1420-1485ના ભાવ વેરાઇટી પ્રમાણે ચાલે છે. કપાસિયા અને ખોળ ઉંચા મથાળેથી ખાસ્સા તૂટી પડયાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક