કિસાન દિવસની વિશિષ્ટ ઉજવણી,
વિવિધ વિષયો પર તજજ્ઞો આપશે માર્ગદર્શન, સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો આવશે, કૃષિમંત્રી
રાઘવજી પટેલ કરશે ઉદ્ઘાટન
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ
ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલા, સીઈઓ કુંદનભાઈ વ્યાસની ઉપસ્થિતિ
રાજકોટ તા. 20: (ફૂલછાબ ન્યૂઝ)
છેલ્લા 103 વર્ષથી સૌરાષ્ટ્રના લોકોનો અવાજ બનીને પત્રકારત્વ કરી રહેલું ફૂલછાબ ફક્ત
સમાચાર પ્રકાશિત કરીને અટકી જતું અખબાર નથી પરંતુ સૌરાષ્ટ્રથી લઈ રાષ્ટ્રની સાંપ્રત
સમસ્યાઓ, પ્રશ્નો, બાબતો માટે સતત ચિંતિત છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સદા અગ્રસર
રહેલા ફૂલછાબ દૈનિકે આ વર્ષે કિસાન દિવસની ઉજવણી કરવાનો પ્રકલ્પ સેવ્યો છે. તા. 23મી
ડિસેમ્બર દર વર્ષે કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફૂલછાબ તથા જૂનાગઢ સ્થિત
કૃષિ યુનિવર્સિટી સાથે મળીને આ દિવસની ઉજવણી કરશે. વિવિધ ગામોમાંથી ખેડુતોને-કૃષિ વ્યવસાયીઓને
એકત્ર કરીને કૃષિક્ષેત્રના સાંપ્રત પ્રવાહો, સમસ્યા અને ઉકેલો વિશે માહિતી આપશે.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન,
ગ્રામવિકાસ, મત્સ્યોદ્યોગ, ગ્રામ્ય ગૃહનિર્માણ મંત્રી રાઘવજીભાઈ પટેલ આ કિસાનકુંભનું
ઉદ્ઘાટન કરશે. ફૂલછાબ દૈનિક અને કૃષિ વિજ્ઞાન-કૃષિવિદ્યા ક્ષેત્રે પ્રશિક્ષણ- સંશોધન
ક્ષેત્રે દાયકાઓથી કાર્યરત, દેશના કૃષિક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર જૂનાગઢ કૃષિ
યુનિવર્સિટી આ આયોજન કરી રહી છે. કૃષિક્ષેત્રે પણ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના પગરણ
થઈ ગયાં છે. બદલાતી આબોહવા, વાતાવરણ, જમીનની ગુણવત્તા સહિતની અનેક બાબતો ખેતીના વિકાસ
સાથે સંકળાયેલી છે. આ તમામ બાબતે ખેડૂતોને સતત અપડેટ કરવામાં આવે તો તેમને માર્ગદર્શન
મળે અને તેમના દ્વારા પોતાના અનુભવો જો વહેંચવામાં આવે તો તે પણ અન્ય લોકો સુધી પહોંચે.
આ શુભ હેતુથી કિસાન કુંભ ફૂલછાબ યોજી રહ્યું છે.
તા. 23મી ડિસેમ્બર, સોમવારે સવારે 8-30 થી 1-30 દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના
સરદાર પટેલ સભાગૃહમાં યોજાનારા આ કિસાનકુંભનું ઉદ્ઘાટન કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કરશે.
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલા,
સીઈઓ- ગ્રુપ એડિટર કુંદનભાઈ વ્યાસ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષપદે જૂનાગઢ
કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી. ચોવટિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળના
સદસ્ય ડો. થોભણ ઢોલરિયા ઉપસ્થિત રહેશે.
કિસાન કુંભમાં પ્રાકૃતિક ખેતી,
ડ્રોન ટેક્નોલોજી, ટકાઉ ખેતી- ઓછા ખર્ચે વધારે ઉપજ તથા ખેતી ઉપજનું મૂલ્યવર્ધન વિષય
પર તજજ્ઞો માર્ગદર્શન આપશે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાંથી આવેલા ખેડુતોની પ્રશ્નોત્તરી
પણ થશે. ફૂલછાબ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ એક રુડો અવસર લઈને આવ્યું છે. ભવિષ્યમાં
અન્ય ક્ષેત્રો માટે પણ આવા સેમિનાર યોજાશે. સમગ્ર આયોજનને નર્મદા બાયોકેમ લિમિટેડ,
એગ્રોસિલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ, એગ્રિઓન, ઈફકો તથા ફિલ્ડમાર્શલ શ્રીદેવ જેવા
કૃષિક્ષેત્રના ઔદ્યોગિક એકમોનો સહયોગ પ્રાપ્ત થયો છે. કૃષિ યુનિવર્સિટી અને ફૂલછાબની
ટીમ સમગ્ર પ્રકલ્પના આયોજન-સફળતા માટે સક્રિય છે.