એક રૂપિયે લીટર પાણી ખરીદતા હતા
અગરિયા : શુક્રવારે ‘ફૂલછાબ’માં અહેવાલ છપાયો ને શનિવારે તંત્ર દોડતું થયું : પાણીનાં ટેન્કરો રણમાં શરૂ થવાનો માર્ગ મોકળો
ખારાઘોડા, તા. 21 : મીઠું પકાવતા
અગરિયાઓને રણમાં ગયાને બે મહિના વીતી જવા છતાંય પીવાનું પાણી નસીબમાં ન હોવાના ‘ફૂલછાબ’ના
અહેવાલના વ્યાપક પડઘા પડતા તંત્ર આળસ મરડીને બેઠું થયું હતું અને પાણી કોન્ટ્રાક્ટ
ટેન્ડર પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને હવે પાણીના ટેન્કરો રણમાં શરૂ થવાનો માર્ગ
મોકળો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના નાના રણમાં અગરિયાઓ દ્વારા વરસે દહાડે અંદાજે
30 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ રણમાં અગરિયાઓને શિક્ષણ, આરોગ્ય
અને પીવાનાં પાણીની સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. છેલ્લા ચાર દાયકાથી
પાણી પુરવઠા વિભાગ પોતાના ટેન્કરો દ્વારા અગરિયાઓને પાણી પહોંચાડવામાં આવતું હતું પરંતુ
અંદાજે ત્રણ વરસથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને પાણીનો કોન્ટ્રાક્ટ
આપવામાં આવે છે પરંતુ આ વરસે ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભારે વિલંબ સર્જાતા અગરિયાઓને
રણમાં પાણીની ભારે હાલાકી સર્જાઈ હતી અને અગરિયાઓએ ન છૂટકે એક રૂપિયે લીટર પાણી ખરીદવાની
નોબત આવી હતી. પાણીની હાલાકી અને ટેન્ડર શરૂ કરાવવા મુદ્દે અગરિયા આગેવાનોથી લઈ સ્થાનિક
રાજકીય આગેવાનો સુધીના ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા.
‘ફૂલછાબ’માં શુક્રવારે અગરિયાઓનાં
નસીબમાં પીવાનું પાણી ન હોવાના અહેવાલનો ત્વરીત પડઘો પડયો હોય તેમ સ્થગિત થઈ ગયેલી
ટેન્ડર પ્રક્રિયા આટોપવામાં આવી હતી. રણમાં અગરિયાઓના ઝૂંપડે સોમવારની આસપાસ પાણીના
ટેન્કરો પહોંચી જવાની અગરિયાઓને હૈયાધારણા ‘ફૂલછાબ’ સાથેની વાતચીતમાં પાણી પુરવઠા વિભાગ
પાટડીના નાયબ ઇજનેર જી. એન. પટેલ દ્વારા આપવામાં આવી હતી. પ્રારંભમાં ચાર ટેન્કરો દ્વારા
પાણી પહોંચાડવાનું આયોજન બાર ટેન્કરો સુધી પહોંચશે તેવું તેમને જણાવ્યું હતું. જો કે
વિભાગીય કચેરી દ્વારા હજુ વર્ક ઓર્ડર મળ્યા ન હોવાથી વર્ક ઓર્ડર મળ્યા બાદ રણમાં પાણી
પહોંચાડવાનું કામ શરૂ થશે તેવું ઉમેર્યું હતું.