• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

ઘઉં, ચણા અને જીરુંને લીધે શિયાળુ વાવણી ઝડપથી વધી

            ડુંગળી અને બટાટામાં તેજીને લીધે વાવેતરમાં ખાસ્સો વધારો

રાજકોટ, તા.24(ફૂલછાબ ન્યૂઝ): શિયાળુ વાવેતર ગુજરાતમાં મોડેથી શરૂ થયા પછી પાછલા વર્ષથી પાછળ રહેતું હતું. જોકે ચાલુ સપ્તાહે આગળ નીકળી ગયું છે. હવે ગયા વર્ષ જેટલું જ 43.31 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. અલબત્ત, સરેરાશ વાવેતર વિસ્તાર 46 લાખ હેક્ટર જેટલો રહેતો હોય છે. તેનાથી હજુ ત્રણેક લાખ હેક્ટર પાછળ છે. છેલ્લાં સપ્તાહમાં આવેલા આંકડાઓમાં શિયાળુ વાવેતરના વિસ્તારમાં નોંધપાત્ર વધારે દેખાયો છે.

ઘઉંનાં વાવેતર છેલ્લાં તબક્કામાં છે. જેમાં મોટો વધારો દેખાય છે. પાછલાં સપ્તાહમાં 11.64 લાખ હેક્ટરમાં ઘઉંના વાવેતર હતા. તે વધીને 11.99 લાખ હેક્ટર થઈ ગયા છે. સામાન્ય વર્ષોમાં 12.50 લાખ હેક્ટરનો વિસ્તાર રહેતો હોય છે. તેની સામે વાવેતર આશરે 13 લાખ હેક્ટરને વળોટી જાય તેમ છે.

ચણાનું વાવેતર 7.87 લાખ હેક્ટર સુધી પહોંચી ગયું છે. જે રેકોર્ડબ્રેક વિસ્તાર તરફ છે. પાછલાં વર્ષમાં 5.90 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતુ. ત્રણ વર્ષનો સરેરાશ વિસ્તાર 8.32 લાખ હેક્ટર છે. જુવારનું વાવેતર 11262 હેક્ટરમાં છે જે ઘટયું છે. મકાઇનો વિસ્તાર 1.08 લાખ હેક્ટર સામે 1.25 લાખ હેક્ટર રહ્યો છે.

રાયડાનું વાવેતર પાછલા વર્ષના 2.67 લાખ હેક્ટર સામે 2.49 લાખ હેક્ટર રહ્યું છે. તેલીબિયાંના ભાવ નીચા છે એટલે વાવેતર પર થોડી નકારાત્મક અસર પડી છે. શેરડીનું વાવેતર 1.72 લાખ હેક્ટર સામે 1.54 લાખ હેક્ટરમાં રહ્યું છે.

જીરુંનું વાવેતર મંદી છતાં 4.42 લાખ હેક્ટર સુધી પહોંચી ગયાનું કૃષિ ખાતાના ચોપડે નોંધાયું છે. અગાઉનાં વર્ષમાં રેકોર્ડબ્રેક વાવેતર હતું એટલે 5.44 લાખ હેક્ટર હતું. જોકે સામાન્ય રીતે 3.81 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે તેના કરતા વધારે વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. જીરુંનું ઉત્પાદન નવી સીઝનમાં વાતાવરણ સારું રહે તો નોંધપાત્ર રહેવાની ગણતરી છે.

ધાણાનો વિસ્તાર 1.20 લાખ હેક્ટરનાં મથાળે પાછલા વર્ષની જેમ જળવાઈ રહ્યો છે. લસણમાં તેજીને લીધે 12 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. જોકે, સરેરાશ વાવેતર 21 હજાર હેક્ટર સુધી રહેતું હોય છે. સવાનું વાવેતર ઘટીને 16 હજાર હેક્ટરમાં થયું છે. ઇસબગુલમાં મંદીને લીધે વાવેતર 18 હજાર હેક્ટર થયું. જે પાછલાં વર્ષે રેકોર્ડબ્રેક 24 હજાર હેક્ટરમાં હતું. વરિયાળીનું વાવેતર મોટાપાયે તૂટતા 46 હજાર હેક્ટર રહ્યું છે. જે અગાઉના વર્ષમાં 1.29  લાખ હેક્ટરમાં હતું. જોકે વાવેતર પાછલા વર્ષમાં રેકોર્ડબ્રેક ઊંચે હતું. સરેરાશ વાવેતર 73 હજાર હેક્ટરમાં થતું હોય છે. તેનાં કરતા પણ પાછળ છે.

બટાટા અને ડુંગળીના સારા ભાવનો લાભ વાવેતર વિસ્તારને મળ્યો છે. બટાટાનું વાવેતર ગુજરાતમાં 1.52 લાખ હેક્ટરમાં થયું છે. અગાઉનાં વર્ષમાં 1.22 લાખ હેક્ટરમાં હતુ. 14 ટકા વધારે વાવેતર થયું છે. ડુંગળીમાં તેજીને લીધે વાવેતર 24 ટકા વધારે થયું છે અને વિસ્તાર 82 હજાર હેક્ટર સુધી પહોંચી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક