રશિયા
જતું અઝરબૈજાન એરલાયન્સનું યાત્રી વિમાન કઝાકિસ્તાનમાં ખુલ્લા મેદાનમાં આગનો ગોળો બન્યું,
5 ક્રૂ સહિત 67 સવાર
અસ્તાના,
તા.રપ : અઝરબૈજાનથી રશિયા જઈ રહેલું એક યાત્રી વિમાન કઝાકિસ્તાનમાં ક્રેશ થતાં 4ર મુસાફરનાં
મૃત્યુ થયાં છે. વિમાનમાં પ ક્રૂ મેમ્બર સહિત 67 મુસાફર સવાર હતા. ક્રેશ પહેલા પાયલોટે
ઇમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માગી હતી પરંતુ એરપોર્ટે લેન્ડિંગ પહેલાં જ તે તૂટી
પડયું હતુ. વિમાન અઝરબૈજાન એરલાયન્સનું હતું જેના ક્રેશનો વીડિયો સામે આવ્યો છે.
કઝાકિસ્તાનના
અક્તાઉમાં બુધવારે સવારે એક યાત્રી વિમાન એમ્બ્રેયર-190 (બે એન્જીનવાળું નેરો બોડી
વિમાન) ક્રેશ થઈ અગનગોળો બની ગયું હતું. દુર્ઘટના બાદ બે બાળક સહિત ર8 મુસાફરને ગંભીર
હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા જેમાં 3નાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મીડિયા
રિપોર્ટસ અનુસાર વિમાન અઝરબૈજાનથી રશિયાના ચેચન્યા પ્રાંતના ગ્રોઝની જઈ રહયું હતુ.
ગાઢ ધુમ્મસને કારણે વિમાને પોતાનો રૂટ બદલ્યો હતો અને અક્તાઉ શહેરથી 3 કિમી દૂર હતું
ત્યારે ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માગી હતી. ક્રેશ થયાં પહેલાં વિમાને એરપોર્ટના ચક્કર
પણ લગાવ્યા હતા જો કે પછી તે નીચે ઝૂકે છે અને ખુલ્લાં મેદાનમાં ક્રેશ લેન્ડિંગ થયાનો
સનસનીખેજ વીડિયો જાહેર થયો છે. વિમાનમાં ધડાકાભેર
આગ લાગ્યા બાદ તેના ટુકડા થઈ ગયા હતા.
રશિયન
મીડિયા અનુસાર દુર્ઘટનાની તપાસ કરાઈ રહી છે અને પ્રાથમિક કારણો અનુસાર પક્ષીઓના ઝૂંડ
સાથે ટક્કર બાદ ટેકનીકલ ફોલ્ટ સર્જાયો હતો. સ્થળ પર બાવન રેસ્ક્યૂ ટીમ આધુનિક સાધનો
સાથે દોડાવાઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા હતા.